World

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને બેઠક બાદ જિનપિંગને કહી આ વાત તો ચીન રોષે ભરાયુ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે એક બેઠક યોજાઈ હતી. બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી. પરંતુ આ બેઠક બાદ બિડેને જિનપિંગને સરમુખત્યાર (તાનાશાહી) કહ્યા જેના કારણે ચીન હવે રોષે ભરાયુ છે.

મળેલી માહિતી મુજબ બિડેન અને જિનપિંગની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા બિડેનને પૂછવામાં આવ્યું કે શું તેઓ હજી પણ શી જિનપિંગને તાનાશાહી માને છે? તો આ બાબતે બિડેને કહ્યું કે તે ચોક્કસપણે તાનાશાહી છે. વધુમાં બિડેને કહ્યું હતું કે તેઓ એવા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે જે સામ્યવાદ ધરાવે છે. માટે આ સંદર્ભમાં તેઓ તાનાશાહી છે. તેમજ ચીનની સરકારનું કામકાજ આપણી સરકારથી ખૂબ જ અલગ છે.

જણાવી દઈએ કે જિનપિંગ સાથેની મુલાકાત બાદ બિડેને કહ્યું હતું કે તેમની રાષ્ટ્રપતિ શી સાથે મુલાકાત થઈ છે. તેમજ તેઓને લાગે છે કે આ બેઠક અત્યાર સુધીની સૌથી નિર્ણાયક અને સફળ ચર્ચામાંથી એક હતી.

(ટ્વીટર ની લીંક)

બિડેનના નિવેદનથી ચીન રોષે ભરાયુ

ચીને શી જિનપિંગને તાનાશાહી કહેવાના અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના નિવેદનને સંપૂર્ણપણે ખોટું ગણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે આ પ્રકારનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. આ નિવેદન ખૂબ જ ગેરજવાબદારી પૂર્વક અને રાજકીય ઈરાદા સાથે કરવામાં આવ્યું છે. ચીન આનો સખત વિરોધ કરે છે.

વધુમાં તેણીએ કહ્યું કે ‘હું કહેવા માંગુ છું કે હંમેશા કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ફાયદા માટે સંબંધોને બગાડવાનો પ્રયાસ કરે છે. તેઓ આ પ્રકારના નિવેદનથી ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓને સફળતા મળશે નહીં.’

બિડેન અને શી જિનપિંગ વચ્ચેની આ બેઠક સાન ફ્રાન્સિસ્કોમાં એશિયા પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ (APEC સમિટ)માં યોજાયી હતી. અગાઉ પણ બંને નેતાઓ નવેમ્બર 2022 માં ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટની બાજુમાં રૂબરૂ મળ્યા હતા.

પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે બિડેને શી જિનપિંગને તાનાશાહી કહ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં પણ તેમણે જિનપિંગને તાનાશાહી ગણાવ્યા હતા. જ્યારે અમેરિકામાં ચીનનો જાસૂસી બલૂન જોવા મળ્યો હતો ત્યારે પણ બીડેને તેમને તાનાશાહી ગણાવ્યા હતા.

Most Popular

To Top