ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી બે દિવસ પહેલા એક લક્ઝરી બસમાંથી (Luxury Bus) 4.26 લાખના ટ્રક સાથે નાઈજેરિયન મહિલાની ધરપકડ કરાયા બાદ આજે પાટણ જિલ્લા એસઓજીની ટીમે સિધ્ધપુર ધારવાડ પાસેથી એક લક્ઝરી બસમાંથી 160.640 ગ્રામ હેરોઈન (Heroin) જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા સખ્સ વિરુદ્ધ દાખલ કર્યો છે.
પાટણ જિલ્લા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા એસઓજીને મળેલી ચોક્કસ બાતમીને આધારે રાજસ્થાનના બાડમેરથી અમદાવાદ તરફ આવી રહેલી એક લક્ઝરી બસને સિધ્ધપુરના ધારવાડ પાસે રોકીને તેનું ચેકિંગ કરતા બસમાંથી 160.640 ગ્રામ અંદાજે કિંમત આઠ લાખ રૂપિયાનો હેરોઇન (ડ્રગ્સ) મળી આવ્યું હતું. પોલીસે હેરોઈનનો જથ્થો તથા લક્ઝરી બસ જપ્ત કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુ-ટ્યુબના માધ્યમથી કરોડોની છેતરપિંડી આચરનાર રાજકોટનો ઠગ ઝડપાયો
ગાંધીનગર: યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી ટાસ્ક બેઝ વર્ક દ્વારા મોટા વળતરની લાલચ આપીને રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી કરતા રાજકોટના એક ઠગની સ્ટેટ સાયબર સેલ ગાંધીનગરે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ, સાઇબર ક્રાઇમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ફાયનાન્સિયલ છેતરપિંડીનો ભોગ બની રહેલા નાગરિકો દ્વારા સાયબર સેલના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવામાં આવે છે, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આવી એક તપાસમાં યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવીને ટાસ્ક બેઝ વર્કના આધારે વળતર આપવાની લાલચ આપી રૂપિયાનું રોકાણ કરાવી યેનકેન પ્રકારે પૈસા પરત નહીં આપીને છેતરપિંડી કરતા આરોપી નીરવ પૂનિલભાઈ ધાનક (રહે, ભીડભંજન મેન રોડ, પંચાયત ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ)ની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જુદી જુદી પેઢીઓના નામે બેંકમાં ખાતા ખોલાવી લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.