રાંદેર પાલનપુર પાટિયાથી બે દિવસથી ગુમ (Missing) એક વિદ્યાર્થીનો (Student) નાનપુરા નાવડી ઓવારેથી મૃતદેહ મળી આવતા પોલીસે (Police) આગળની તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં પણ પોલીસને 10-12 પાના ની સુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બાબતે હજી પોલીસે કોઈ પુષ્ટિ કરી નથી. મૃતક હર્ષિલ બાવરિયા વિદેશ જવા માટે IELTS ની તૈયાર કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષિલ મનસુખભાઇ બાવરિયા માત્ર 22 વર્ષનો હતો. મોટો ભાઈ કેનેડામાં સ્થાઈ થયો હતો. હર્ષિલ પણ ગેજ્યુએટ થયા બાદ વિદેશ માટે IELTS ની પરીક્ષા આપી રહ્યો હતો. તે દરમિયાન 9મી નવેમ્બરના રોજ અચાનક હર્ષિલ ઘરેથી નીકળી ગયા બાદ પરત નહી ફરતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષિલનો મૃતદેહ આજે શનિવારે બપોરે નાનપુરા નાવડી ઓવારે થી મળી આવ્યો હતો. તપાસ દરમિયાન હર્ષિલના પરિવારે પણ મૃતદેહની ઓળખ કરી હતી. પોલીસ તપાસમાં હર્ષિલે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે આવું પગલું ભરવા પાછળનું કોઈ કારણ હજી જાણવા મળ્યું નથી. રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.