બેંગલુરુઃ (Bengaluru) વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) સેમીફાઈનલ માટે અત્યંત મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડએ (New Zealand) શ્રીલંકાને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડએ ગુરુવારે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પાંચ વિકેટથી જીત મેળવીને ટોપ-4માં પોતાનો દાવો મજબૂત કર્યો છે. હવે સેમિફાઇનલ માટે અન્ય એક દાવેદાર પાકિસ્તાની ટીમ પર દબાણ વધી ગયું છે જેને શનિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ઇંગ્લેન્ડ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. હવે જો બાબર આઝમ એન્ડ કંપની નેટ રન-રેટમાં ન્યુઝીલેન્ડને પાછળ છોડવા માંગે છે તો તેણે ઇંગ્લેન્ડ સામે 287 રનના વિશાળ માર્જિનથી જીત મેળવવી પડશે.
બેંગ્લુરુમાં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આજની મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલા શ્રીલંકાને માત્ર 171 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ 23મી ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ મેચ ન્યૂઝીલેન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી જેણે સતત ચાર મેચ હારી હતી. કારણ કે તેના આઠ પોઈન્ટ હતા અને તેણે ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે સેમિફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ ભોગે શ્રીલંકાને તેની છેલ્લી લીગ મેચમાં હરાવવાની હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર ડેવોન કોનવેએ 45 રન, રચિન રવિન્દ્રએ 42 રન અને ડેરીલ મિશેલે 43 રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે વર્લ્ડકપ 2023ના પોઈન્ટસ ટેબલ પર ભારત સૌથી ટોપ પર છે. બીજા ક્રમે સાઉથ આફ્રિકા, ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયા અને ચોથા ક્રમે ન્યુઝીલેન્ડ છે. જ્યારે પાંચમાં ક્રમે પાકિસ્તાનની ટીમ છે. જોકે પાકિસ્તાનની ટીમ સૌથી ઓછા પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે છે. જો તેણે ચોથું ક્રમ મેળવવું હોય તો ઇંગ્લેન્ડની ટીમને મોટા માર્જીનથી હરાવવું પડશે.