ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતમાં (Gujarat) ભાજપના (BJP) જ પ્રતિસ્પર્ધી જુથને આયકર (IT) દરોડાની (Raid) કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવતા, ભાજપનું આંતરિક રાજકારણ વધારે ગરમાયું છે. લોકસભાની ચૂંટણી પહેલા જ એકબીજા સાથે રાજકીય સ્કોર સેટલ કરી લેવા માટે સામ- સામે શસ્ત્રોને ધાર કાઢવામાં આવી રહી છે.
- ટિકિટ વહેંચણીનો ખેલ બગાડવા સક્ષમ જૂથે એજન્સીઓને કામે લગાડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું
- ચોક્કસ નેતાઓની નજીકના જૂથને નિશાન બનાવાતાં વેરઝેર વધવાની, લડાઈ લાંબી ચાલવાની ગણતરી
ભાજપના પૂર્વ મુખ્યમંત્રીની નજીકના પરિવારના સભ્યની દવા બનાવતી કંપની તથા બિલ્ડર ગ્રુપ સામેની દરોડાની કાર્યવાહીના પગલે આ મામલો ગરમાયો છે, એવું આંતરિક રીતે ચર્ચાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો ખેલ બગાડવા માટે આ એજન્સીઓને કામે લગાડાઈ છે. તાજેતરમાં જ ગાંધીનગરની નજીકમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવ માટે પોતાની જમીન આપનાર તથા સંતો અને વિદેશથી આવનાર મહેમાનો માટે મોંઘા ફલેટ ભાડે રાખાીને સગવડ કરી આપનાર બિલ્ડર ગ્રુપ પણ આયકર વિભાગની ચપેટમાં આવી ગયું છે.
ભાજપના નેતાઓ સાથે ખાસ અંગત સંબંધ ધરાવતા અને દિલ્હી સુધી છેડા ધરાવતા દક્ષેશ શાહની ફાર્મા કંપનીમાં મુંબઈથી આવેલા અધિકારીઓએ દરોડા પાડી રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. શુક્રા ફાર્મામાં સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને તેમની પત્ની તેમજ ગુજરાતના કદાવર નેતા આનંદીબેનની પૌત્રી સંસ્કૃતિ જયેશ પટેલના ઘરે પણ ITએ તપાસ કરી છે. દરોડા પાડનારી આ ટીમને કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે. ભાજપમાં ચાલી રહેલા શીત યુદ્ધના કારણે ભાજપના આ નેતાઓ ભોગ બન્યાની વાતો બહાર આવી છે. દરોડાની માહિતી લીક ના થઈ જાય એટલે મુંબઈથી આયકરની ટીમને અમદાવાદમાં ઉતારવામા આવી હતી.