મુંબઇ: ‘કોબરા કાંડ’ સાપના ઝેર કેસમાં બિગ બોસ OTT (Bigg Boss OTT) વિજેતા અલ્વિશ યાદવને (Elvish Yadav) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ એલ્વિશની રાજસ્થાનના (Rajasthan) કોટામાં અટકાયત કરવામાં આવી હતી. જો કે પૂછપરછ બાદ પોલીસે (Police) તેને છોડી દીધો હતો.
રાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે કોટામાં નાકાબંધી કરી દીધી હતી. આ દરમિયાન એલ્વિશ પણ અહીંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જિલ્લાની સુકેત પોલીસે તેને કસ્ટડીમાં લીધો. એલ્વિશને કસ્ટડીમાં લીધા બાદ કોટા પોલીસે ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસ સાથે વાત કરી હતી. આ દરમિયાન નોઈડા પોલીસે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જે બાદ કોટા પોલીસે તેને છોડી દીધો હતો.
આ મામલે નોઈડા પોલીસની એફઆઈઆર મુજબ એલ્વિશ યાદવ રેવ પાર્ટીઓનું આયોજન કરતો હતો. આમાં વિદેશી યુવતીઓને પણ આમંત્રિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલામાં એલ્વિશ યાદવ અને અન્ય સહિત 6 નામના લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાસ્થળેથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીઓના કબજામાંથી 9 ઝેરી સાપ પણ કબજે કર્યા હતા. આ મામલામાં નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલામાં વાદી (PFA-એનિમલ વેલફેર ઓફિસર)ની ફરિયાદના આધારે સેક્ટર-49 પોલીસ સ્ટેશને નોઈડા સેક્ટરમાં સ્થિત બેન્ક્વેટ હોલમાં પાર્ટી કરવા બદલ અલ્વિશ યાદવ સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ સંદર્ભે એફઆઈઆર નોંધીને બેન્કવેટ હોલમાંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલા શુક્રવારે બીજેપી સાંસદ અને PFA NGOના ડિરેક્ટર મેનકા ગાંધીએ કહ્યું હતું કે એલ્વિશ યાદવ ગ્રેડ-1નો ગુનેગાર છે – એટલે તેને સાત વર્ષની જેલ થવી જોઈએ. તેમણે કહ્યું કે PFAએ છટકું ગોઠવીને આ લોકોને પકડ્યા છે. તેઓ તેમના વીડિયોમાં લુપ્તપ્રાય પ્રજાતિના સાપનો ઉપયોગ કરે છે. બાદમાં અમને ખબર પડી કે તે નોઈડા અને ગુરુગ્રામમાં સાપનું ઝેર વેચે છે. મેનકા ગાંધીએ કહ્યું કે દેશમાં કોબ્રા અને અજગર સાપની પ્રજાતિઓ ખૂબ જ દુર્લભ છે અને આ લોકો તેનું ઝેર કાઢે છે, જેના કારણે આ સાપ મૃત્યુ પામે છે.