વલસાડ: (Valsad) વલસાડના છરવાડા ગામે (Village) વલસાડથી બીલીમોરા જઈ એસટી મીની બસના (Mini Bus) ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં આવેલી ખનકીમાં ખાબકતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જ્યારે ચારથી વધુને ઈજા થતા સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
- નશામાં ચકચૂર ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા એસટી ખનકીમાં ખાબકી
- વલસાડના છરવાડા ગામમાં એસટી બસ ખનકીમાં ખાબકતા ચારથી વધુને ઈજા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના એસ.ટી ડેપોમાંથી 50થી 55 મુસાફરો ભરી મીની એસટી બસ કોસ્ટલ હાઇવેના માર્ગેથી બીલીમોરા તરફ જઈ રહી હતી. દરમિયાન છરવાડા નજીક જવાહર ફળિયા પાસે એસ.ટી બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલી ખનકીમાં બસ ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસની ટીમ તથા 108 એમ્બ્યુલન્સની ટીમને કરી હતી.
ઘટનાની જાણ થતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસમાં સવાર 4 ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને 108 મારફતે સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને પગલે ઈજાગ્રસ્તોની મદદે દોડી આવેલા સ્થાનિકોના જણાવ્યા અનુસાર બસનો ચાલક દારૂના નશામાં ચકચૂર હોવાનું માલુમ પડ્યું હતું. જોકે બસનો ચાલક દારૂના નશામાં હતો કે ન હતો તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરોને એસ.ટી વિભાગ દ્વારા અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા.
પારડીના રેંટલાવ રોડ પર કારમાં દારૂ લઇ જતા સુરતના ત્રણ ઝડપાયા
પારડી: પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ ત્રણ રસ્તા પાસે કારમાં દારૂ લઈ જતા 3 ઈસને પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે રેંટલાવ ત્રણ રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 236 જેની કિં. રૂ. 27 હજારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક પાર્થ ઉર્ફે લાલુ વિજય બોસમીયા, ફિરોજ મહંમદ પટેલ અને ફિરોજ રમજાન શેખ ત્રણેય રહે. સુરતને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા ફિરોજ મહંમદ પટેલએ જણાવ્યું કે શક્તિ રહે. કચીગામ દમણ એ દારૂનો જથ્થો આપ્યો હતો. જેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. કાર, દારૂ, મોબાઇલ સહિત કુલ રૂ. 3.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસ મથકે પકડાયેલા 3 બુટલેગર અને વોન્ટેડ એક ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.