વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 33મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો શ્રીલંકા (Sri lanka) સામે હતો. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા શ્રીલંકા સામે 358 રનનો ટાર્ગેટ મુકી દીધો હતો. જવાબમાં બેટીંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે પ્રથમ બે ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. 19.4 ઓવર રમીને એક પછી એક વિકેટ પડતા ફક્ત 55 રનના સ્કોર પર જ શ્રીલંકા ઘૂંટણીયે પડી ગયું હતું. વર્લ્ડ કપના ઇતિહાસનો ચોથો સૌથી નીચલો સ્કોર તેમજ વર્લ્ડ કપ 2023નો સૌથી નિચલો સ્કોર શ્રીલંકાના નામે લખાઈ ગયો છે.
બુમરાહના પહેલા જ બોલ પર શ્રીલંકાની પહેલી વિકેટ પડી હતી. શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન શૂન્ય કે એક રન પર જ આઉટ થવા લાગ્યા હતા. એક પછી એક વિકેટ પડતા દર્શકોનો ઉત્સાહ જોવા જેવો હતો. પથુમ નિશંકા, દિમુથ કરુનારાત્ને, સદિરા સામ્રાવિકર્મા શૂન્ય પર આઉટ થયા હતા જ્યારે કુસલ મેન્ડિસ 1 રન બનાવી પેવેલિયન પાછી ફર્યો હતો. ચારિથ અસલાંકા એક રન બનાવીને જ્યારે દુષણ હેમંત શૂન્ય પર આઉટ થયો હતો. ભારત તરફે મોહમ્મદ શમીએ 5, મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેડા અને જસપ્રિત બુમરાહે એક-એક વિકેટ લીધી હતી.
આ પહેલા ભારતે 8 વિકેટ ગુમાવી 50 ઓવર પછી 357 રન બનાવ્યા હતા. ભારતે શ્રીલંકા સામે 358 રનનો મોટો સ્કોર મુકી દીધો હતો. જોકે ભારતના 3 ખેલાડીઓ સદી ચુકી ગયા હતા. વિરાટ અને ગિલના આઉટ થયા બાદ શ્રેયસ અય્યરે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. અય્યરે 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જેમાં 6 સિક્સર અને 3 ફોરનો સમાવેશ થાય છે.
આ પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી. 4 રનના સ્કોર પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી. રોહિત શર્માએ ઇનિંગના પહેલા બોલે ચોગ્ગો માર્યો હતો પણ બીજા જ બોલે બોલ્ડ થયો હતો. તેને મદુશંકાએ આઉટ કર્યો હતો. 193 રનના સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી હતી. શુભમન ગિલને 92 રન પર મદુશંકાએ આઉટ કર્યો હતો. મદુશંકાએ ત્રીજી વિકેચ લેતા કોહલીને આઉટ કર્યો હતો. કોહલી સચિનના રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયો હતો. તે 88 રને આઉટ થયો હતો. 196 રન પર ભારતની ત્રીજી વિકેટ ગઈ હતી.