Comments

હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે

સોમવારે રાત્રે એપલ આઈ ફોન વાપરનારા પચીસેક જેટલા વિરોધ પક્ષના નેતાઓને અને પત્રકારોને એપલ તરફથી સાવધાનીનો મેસેજ આવ્યો કે તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો એને કારણે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તમને ટાર્ગેટ કરી રહ્યા છે. એક એક શબ્દ ધ્યાનમાં લો. સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ. એવાં લોકો જે સરકાર માટે અને સરકારની સંમતિ સાથે ખાસ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? એપલે કહ્યું છે કે તમે જે કાંઈ છો અને જે કાંઈ પ્રવૃત્તિ કરો છો તેને ધ્યાનમાં લઈને તમને ટાર્ગેટ કરવામાં આવતા હોય એવી સંભાવના છે, માટે સાવધાન રહો.

કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? રાહુલ ગાંધીને, તેમના નજીકના સહાયકોને, રણનીતિ ઘડનારા કોંગ્રેસના નેતાઓને, મહુઆ મોઇત્રાને, સિતારામ યેચુરીને, અખિલેશ યાદવને, ‘ધ વાયર’ નામના ડીજીટલ પોર્ટલના સ્થાપક અને સંપાદક સિદ્ધાર્થ વરદરાજન જેવા ખુદ્દાર પત્રકારોને. જો સાવધાનીનો મેસેજ આઈ ફોન વાપરનારા કેટલાક સામાન્ય લોકોને ગયો હોત તો સમજી શકાત કે આ એપલનો ફોલ્સ એલાર્મ છે અથવા સાવધાનીનો રૂટીન મેસેજ છે.

અહીં તો એવાં લોકોને જ માત્ર મેસેજ ગયો છે જેનાથી શાસકોને ભય છે, પાછા નિશાન બનાવનારા સ્ટેટ સ્પોન્સર્ડ છે અને નિશાન બનાવવાનું કારણ “તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો” એ છે. શું સૂચવે છે આ? જેનામાં સામાન્ય બુદ્ધિ હશે તેને આ સમજાતાં વાર નહીં લાગે. જો ૨૦૨૧માં પેગાસસની ઘટના ન બની હોત તો એક વાર ભારતનાં શાસકોને શંકાનો લાભ પણ આપત, પણ પેગાસસ પછી શંકાનો લાભ આપવો મુશ્કેલ છે. એમાં ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીનો પડકાર નજીક છે.

અહીં પેગાસસની યાદ તાજી કરી લઈએ. પેગાસસ એક જાસૂસી કરનારું સ્પાઈવેર છે, જેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વ્યક્તિઓ પર જાસૂસી કરી શકાય છે. પેગાસસ ઈઝરાયેલી એક કંપની બનાવે છે અને તેને ઇઝરાયેલની સરકારનો આદેશ છે કે તે પેગાસસ સ્પાઈવેર દુનિયાની જે તે સરકાર સિવાય કોઈને એટલે કે કોઈ પણ ખાનગી વ્યક્તિને કે એજન્સીને કે કોર્પોરેટ કંપનીને વેચી ન શકે. જો આ દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની જાસૂસી કરવા માંડે તો દુનિયામાં જીવવું મુશ્કેલ બની જાય. દુનિયા દોજખ બની જાય. સરકારોની વાત જૂદી છે. સરકારોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ચાંપતી નજર રાખવી પડે એટલે માત્ર સરકારોને સ્પાઈવેર વેચી શકાય. આ સિવાય “જવાબદાર” સરકારો મન ફાવે એમ ગમે તેની જાસૂસી નથી કરતી. કોઈને ટાર્ગેટ બનાવીને નજર રાખવા માટે દરેક દેશની સરકારી સંહિતા હોય છે અને “જવાબદાર શાસકોએ” એ સંહિતાનું પાલન કરવું પડે છે.

પણ ૨૦૨૧ની સાલમાં ઘટસ્ફોટ થયો કે ભારતમાં રાહુલ ગાંધી પર, તેમના નજીકના સાથોદારો પર, કેટલાક વિરોધ પક્ષના નેતાઓ પર, રવીશ કુમાર, પરંજોય ગુહા ઠાકુરતા અને સિદ્ધાર્થ વરદરાજન જેવા ખુદ્દાર પત્રકારો પર, અદાલતોના જજો પર અને શાસક પક્ષના પસંદગીના નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમના પર પેગાસસ સ્પાઈવેર દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે.

આશ્ચર્ય એ વાતનું છે કે સર્વોચ્ચ અદાલતના બિકાઉ મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ પર યૌનશોષણનો આરોપ કરનારી યુવતી પર પણ નજર રાખવામાં આવતી હતી. રાષ્ટ્રીય સુરક્ષામાં એ યુવતી કઈ રીતે જોખમરૂપ હતી એ કોઈ સમજી શક્યું નથી. આ બાજુ પેગાસસ બનાવનારી કંપનીએ જાહેરાત કરી કે તેણે દુનિયાની સરકારો સિવાય કોઈ પણ ખનાગી વ્યક્તિને કે એજન્સીઓને પેગાસસ સ્પાઈવેર વેચ્યાં નથી. હજુ એક આશ્ચર્યની વાત. જે અશ્વિની વૈષ્ણવ અત્યારે કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતના પ્રધાન છે અને આજે એપલ એલર્ટનો બચાવ કરી રહ્યા છે એ જ અશ્વિની વૈષ્ણવ પર પણ પેગાસસ દ્વારા નજર રાખવામાં આવતી હતી. હા, તેઓ સ્વયં પેગાસસના ટાર્ગેટ હતા.

ટૂંકમાં પેગાસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે સરકારને અને માત્ર સરકારને જ સ્પાઈવેર વેચ્યાં છે તો એનો અર્થ એ થયો કે ભારતનાં વર્તમાન શાસકો પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે કરતી હતી અને એ જોતાં આઈ ફોનનો ઉપયોગ કરનારા રાજકીય નેતાઓને અને પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવી પૂરી શક્યતા છે. લોકો લગભગ એ જ છે જે પેગાસસનાં ટાર્ગેટ હતાં. પણ સવાલ એ છે કે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ કોણ છે? એટેકર્સ સ્ટેટ સ્પોન્સર્ડ છે. કોણ છે? વિચારો કોણ હશે એ? આ સરકાર જાય તો સૌથી વધુ નુકસાન કોને થવાનું છે?

આ ઘટનાનો બચાવ થઈ શકે એમ નથી. આ લોકશાહી પરનો કુઠારાઘાત છે. ગમે તે થાય અમે હવે સત્તા છોડવા માગતા નથી કે બીજાને સત્તા સુધી પહોંચવા દેવા માગતા નથી. સામ, દામ, દંડ, ભેદ એમ દરેક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ આ દેશમાં એક પક્ષનું રાજ સ્થાપિત કરવા માગે છે. ઈલેક્ટોરલ બોન્ડથી આની શરૂઆત થઈ હતી. આને કારણે કોર્પોરેટ કંપનીઓનું ૮૦ ટકા નાણું બીજેપીને જાય છે. સત્તા અને પૈસાના જોરે વિરોધ પક્ષના નેતાઓને ખરીદવામાં આવે છે, તેની સરકારોને તોડવામાં આવે છે, ડરાવવામાં આવે છે, ઇડીનો દુરુપયોગ કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે, મીડિયાને ધરવીને ગોદમાં બેસાડવામાં આવી રહ્યા છે અને ચૂંટણીપંચ જેવી લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવામાં આવી રહી છે અને હવે જાસૂસી કરવામાં આવી રહી છે.

અંગત જીવનના નાગરિકના મૂળભૂત અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. એમાં કોઈ શંકા નથી કે હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે. કોની પાસે ધા નાખવી! સર્વોચ્ચ અદાલત ઈલેક્ટોરલ બોન્ડ અને પેગાસસ જેવી મહત્ત્વની બાબતને પ્રાથમિકતાથી હાથ ધરતી નથી. અર્ણવ ગોસ્વામીને જામીન પર છોડવા માટે સમય છે, પણ લોકશાહીનો પ્રાણ બચાવવા માટે સમય નથી! સર્વોચ્ચ અદાલતે દેશની લોકશાહીનું જતન કરનારી પ્રજાને સૌથી વધુ નિરાશ કરી છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top