SURAT

સિવિલ કેમ્પસના જૂના ટ્રોમા સેન્ટરની બહાર ઝાડ નીચેથી દારૂની બોટલો મળી આવતા તંત્ર દોડતું થયું

સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ કેમ્પસના જૂના ટ્રોમાં સેન્ટર (Trauma Center) બહારના STD- PCO પાછળ ઝાડ નીચેથી દારૂની (Alcohol) બોટલો મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ ઘટનાની જાણ બાદ સિક્યુરિટી દોડતી થઈ ગઈ હતી. જો કે અગાઉ સિવિલના કેમપ્સમાંથી ડ્રગ્સના છોડ પણ મળી આવ્યા હતા.

સિવિલમાં દર્દીઓની જરૂરીયાત મુજબની દવાઓ મળતી નથી પણ દારૂની ખાલી બાટલીઓ મળી આવે છે એ શરમ જનક કહી શકાય છે. આ અંગે સિવિલમાં તંત્ર દોડતું થઇ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે RMOએ જણાવ્યું હતું કે સૂચના અપાઈ ગઈ છે અને બીજીવાર આવું પુનરાવર્તન ન થાય એની કાળજી રખાશે.

મળતી માહિતી મુજબ બોટલો એક કે બે નહિ પણ 4થી 5 હતી. તેમજ બોટલ સાથે ગ્લાસ, અને પાણીની બોટલો પણ મળી આવી હતી. ઘટનાની જાણ થતા સિવિલમાં સારવાર લેનાર દર્દીઓ અને દર્દીઓના સગાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. સિવિલ કેમ્પસમાં જાહેરમાં દારૂ પી બોટલો રોડ પર ફેંકી દેવાતી હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બોટલો 24 કલાકથી પડી છે. એટલે સિવિલ કેમ્પસમાં સફાઈના નામે લોલમલોલ ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

આ મુદ્દે સિવિલના RMO કેતન નાયકે જણાવ્યું હતું કે આ મામલે વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એની કાળજી રાખવામાં આવશે. જો કે કેમપ્સમાં સિક્યુરિટી રાત-દિવસ કામ કરે છે. તેથી કોઈ ટખણખોરની કરતૂત હોય એમ લાગે છે. અમે આ મામલે સુપરિટેન્ડન્ટનું પણ ધ્યાન દોર્યું છે કે જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવે. એટલું જ નહિ જરૂરિયાત મુજબના પગલાં પણ ભરવા પડે તો ભરીશું.

Most Popular

To Top