નવી દિલ્હી: ટીએમસી (TMC) સાંસદ (MP) મહુઆ મોઇત્રા (MahuaMoitra) સહિત ઈન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધનના ઘણા નેતાઓને મંગળવારે એપલ (Apple) તરફથી એલર્ટના (Alert) મેસેજ આવ્યા હતા. આ નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના ફોનને હેક (Phone Hack) કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે (BJP) હવે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે અને એપલ એલર્ટ મેસેજનું કનેક્શન ‘જ્યોર્જ સોરોસ’ (GeorgeSores ) સાથે કર્યું છે. સોરોસ અમેરિકન અબજોપતિ છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) મોટા ટીકાકાર છે. તેઓ ભારતીય મુદ્દાઓમાં દખલ કરીને મોદી સરકારને ઘેરી રહ્યા છે.
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ (AmitMalviya) ટ્વિટ કરીને એપલ એલર્ટનું ‘જ્યોર્જ સોરોસ’ કનેક્શનનો ઘટસ્ફોટ કર્યો છે. એક ટ્વીટને રીટ્વીટ કરીને, માલવિયાએ લખ્યું, આ કથિત રીતે જ્યોર્જ સોરોસ દ્વારા આપવામાં આવેલ ‘એક્સેસ નાઉ’ માટે એપલ તરફથી મળેલી ચેતવણીઓનું કનેક્શન દર્શાવે છે. રાહુલ ગાંધી બધું છોડીને પ્રેસ કોન્ફરન્સ કરવા કેમ દોડી ગયા એવો પ્રશ્ન પણ માલવિયાએ ઉઠાવ્યો હતો.
શું છે મામલો?
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ મંગળવારે ટ્વીટ કર્યું હતું કે તેમને એપલ તરફથી એલર્ટ મળ્યો છે કે તેમનો ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહુઆ બાદ કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ એપલ તરફથી મળેલા એલર્ટનો સ્ક્રીન શોટ શેર કર્યો અને ફોન હેકિંગનો આરોપ લગાવ્યો હતો. મહુઆએ દાવો કર્યો છે કે આ એલર્ટ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપા પ્રમુખ અખિલેશ યાદવ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને રાહુલ ગાંધીના ઓફિસ ફોન પર પણ આવ્યું છે.
એપલે આ એલર્ટ અંગે સ્પષ્ટતા આપી
એપલ કંપનીએ કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારના સ્ટેટ સ્પોન્સર્ડ એટેક વિશે માહિતી આપતા નથી. કંપનીનું કહેવું છે કે શક્ય છે કે એપલના એલર્ટ ખોટા હોય. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટેટ સ્પોન્સર હેકર્સ દ્વારા સતત સમયાંતરે આવા હેકિંગના પ્રયાસો કરવામાં આવતા રહે છે. આવા સાયબર એટેક વિશે માહિતી મેળવવી એ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર આધાર રાખે છે. એપલે કહ્યું હતું કે તે આ એલર્ટ પાછળનું કારણ સમજાવવામાં કંપની અસમર્થ છે.
સરકારે શું કહ્યું?
એપલના જવાબ પર કેન્દ્રીય સંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે અસ્પષ્ટ લાગે છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આ મામલાની તપાસ કરશે. તેમણે કહ્યું, દેશમાં કેટલાક લોકોને ફરિયાદ કરવાની આદત છે.
જ્યોર્જ સોરોસ કોણ છે?
જ્યોર્જ સોરોસનો જન્મ 1930માં હંગેરીના બુડાપેસ્ટમાં થયો હતો. 1956માં તેઓ લંડનથી અમેરિકા આવ્યા હતા. અહીં આવીને તેણે ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટની દુનિયામાં પ્રવેશ કર્યો અને પોતાનું ભાગ્ય બદલી નાંખ્યું. 1973માં તેમણે ‘સોરોસ ફંડ મેનેજમેન્ટ’ શરૂ કર્યું. તેમનો દાવો છે કે તેમનું ફંડ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટું અને સૌથી સફળ રોકાણકાર છે.