અમરાવતી: (Amravati) આંધ્રપ્રદેશના વિજીયાનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના અલામંદા-કંથકપલ્લી ખાતે એક મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પર રોકાઈ ગઈ હતી. તે જ સમયે આવી રહેલી પલાસા એક્સપ્રેસ પાછળથી રાયગઢ ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે રાયગઢ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 10 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે.
જોકે માહિતી મળતાં જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ઘટના સ્થળે વીજળીના અભાવે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે કોચમાં મુસાફરોની સંખ્યા વધુ છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઘાયલોને વિજિયાનગરમ સરકારી હોસ્પિટલ અને વિશાખાપટ્ટનમ KGHમાં મોકલવામાં આવી રહ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજમેન્ટે જણાવ્યું હતું કે બચાવ કામગીરી અને રેલ્વે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. વિશાખાથી પલાસા જતી સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને સિગ્નલના અભાવે કોઠાવલાસા ડિવિઝનમાં અલામંદા-કંટકાપલ્લી ખાતેના પાટા પર રોકી દેવામાં આવી હતી. તે જ સમયે પાછળથી આવતી વિશાખા-રાયગડા ટ્રેન પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી.
રેલ્વે બોર્ડ ગ્રુપમાં ડીઆરએમ સૌરભ પ્રસાદે ટ્રેન દુર્ઘટના વિશે માહિતી આપી હતી. પાટા પરથી ઉતરી જવાની ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ડીઆરએમએ જણાવ્યું કે બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માતમાં 3 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. ટ્રેનની અથડામણને કારણે ઘટનાસ્થળે જ વીજ વાયરો તૂટી ગયા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. અંધારાના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘટના સ્થળે સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ અનુસાર ઈજાઓ નોંધાઈ છે પરંતુ હજુ સુધી આંકડો જાણી શકાયો નથી. અકસ્માતમાં બે ટ્રેન અસરગ્રસ્ત થઈ છે. બચાવ અને પુનઃસ્થાપન પ્રક્રિયા ચાલુ છે. એક વ્યક્તિનું મોત થયું છે અને કેટલાક ઘાયલ થયા હોવાના અહેવાલ છે.