Gujarat

છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને કરોડોની છેતરપિંડી કૌભાંડના અસલી ખેલાડી કોણ ?

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી તો પીએમ ઓફિસ (PMO) અને સીએમ ઓફિસમાં (CMO) કામ કરતા હોવાનું કહીને લોકોને છેતરતા નકલી અધિકારીઓ ઝડપાતા હતા, પરંતુ હવે તો આખે આખી નકલી સરકારી કચેરી (Goverment Office) પણ ધમધમવા લાગી છે. જી હા, છોટાઉદેપુરમાં (Chhota Udaipur) નકલી સરકારી કચેરી ઊભી કરીને 4.15 કરોડ રૂપિયા છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. મોટી રાજકીય વગ, મોટા અધિકારીઓના આશિર્વાદ અને મેળાપીપણા વગર નકલી સરકારી કચેરી બે-બે વર્ષથી ધમધોકાર રીતે કરોડોના કૌભાંડના (Scam) અસલી ખેલાડી કોણ ? સંડોવાયેલા સાચા ખેલાડીઓ બેનકાબ થાય, સંપૂર્ણ તપાસ થાય તેવી કોગ્રેસે (Congress) માગણી કરી છે.

પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતુ કે છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને 4.15 કરોડ રૂપિયા છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ફરિયાદ થઈ છે. આરોપી સંદીપ રાજપૂતે ખોટી કચેરી ઊભી કરીને ગ્રાન્ટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલીના નામની નકલી સરકારી કચેરી બનાવી નાખી અને આદિજાતિ વિભાગની કચેરીમાંથી ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ. ચોંકાવનારી વાત એ છે કે આ નકલી સરકારી કચેરીએ 93 વિકાસકાર્યોના નામે 4 કરોડ 15 લાખથી વધુની ગ્રાન્ટ મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી તો નકલી અધિકારીઓ પકડાતા હતા અને પકડાય એ પહેલાં સરકારી બાબુઓ હોવાના નામે રોફ જમાવીને લોકોને બોટલમાં ઉતારતા હતા. એ પહેલાં ગાંધીનગરની કરાઈ ટ્રેનિંગ એકેડમીમાં નકલી PSI તાલીમ લેવા પહોંચી ગયો હતો અને હવે તો એનાથી પણ એક સ્ટેપ આગળ આખી નકલી ઓફિસ ખોલી નાખી હોવાનો મામલો સામે આવ્યો છે.

ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે સવાલ એ છે કે ખોટી સરકારી કચેરી હતી તેના નામે કેવી રીતે અલગ અલગ 93 કાર્યો પાસ થયાં અને સવા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઉપરી અધિકારીઓએ પાસ કરી નાખી. શું ગુજરાતનું વહીવટી તંત્ર આટલું બધું નક્કામું અને નઘરોળ છે કે કોઈ આલિયો, માલિયો જમાલિયો ખોટી સરકારી કચેરી ઊભી કરીને વિકાસ કાર્યોના નામે ગ્રાન્ટ મેળવવા માટે ફાઈલો મોકલે અને ત્યાં સુધી કોઈને ખબર ન પડે કે આવી તો 91 ફાઈલો પાસ થઈ ગઈ છે અને સવા ચાર કરોડ રૂપિયાની ખેરાત પણ કરી દેવામાં આવી છે

છોટાઉદેપુરના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પ્રોજેક્ટ ડીવીઝનલ બોડેલી નામની બનાવટી કચેરી બનાવીને સંદીપ રાજપૂત નામની વ્યક્તિએ ૨૬ જુલાઈ, ૨૦૨૧થી ટ્રાયબલ સબ પ્લાન કચેરી, છોટાઉદેપુરના સરકારી નાણાં ખંખેરી રહ્યાની હકીકત બહાર આવી છે. તેની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવટી કચેરીએ અત્યાર સુધીમાં ૯૩ સરકારી કામો કરવાના નામે કુલ ૪.૧૫કરોડ રુપિયા ખંખેરી લીધા છે.

Most Popular

To Top