બાલાસિનોર : બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા યોજાયેલા સેવા સપ્તાહ દરમિયાન વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અઢી હજાર ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીએ ભાગ લીધો હતો અને સારવારનો લાભ લીધો હતો. બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબરના રોજ શરૂ થયેલા સેવા સપ્તાહની પૂર્ણાહતી 8મી ઓક્ટોબરના રોજ લાયન્સ હોલમાં ડિસ્ટ્રીક ગવર્નર વિજયભાઈ ઉમટની ઉપસ્થિતિમાં થઈ હતી.બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતર આંટી પહેરાવી સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જાગૃતતા તેમજ ડેન્ગ્યુથી બચવાની પત્રિકાના વિતરણ સાથે બેનર સાથે રેલી નીકળી હતી. બાદ જરૂરિયાતમંદ ગરીબ બહેનોને રેશનકીટનું વિતરણ મનોજભાઈ પરમાર અને ઝોન ચેરમેન ધ્રુવેશભાઇ પારેખે કર્યું હતું. આ સેવા સપ્તાહ દરમિયાન ડો.ભરતભાઈ ખાંટની સાગર સર્જીકલ હૉસ્પિટલમાં જનરલ સર્જરી નિદાન કેમ્પમાં 51 દર્દીએ લાભ લીધો હતો. તેવી જ રીતે નગરપાલિકા અને અંધજન મંડળ નડિયાદના સહયોગથી સફાઈ કામદારોના નેત્ર નિદાન કેમ્પમાં 310 વ્યક્તિઓના નેત્ર નિદાન કરી 250 વ્યક્તિઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ડો.ભક્તિબેન શાહ દ્વારા સફાઈ કામદારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શિલ્પ નર્સિંગ હોમ સ્ત્રીરોગ નિદાન કેમ્પમાં ડો.આયુષ જોષી દ્વારા 68 મહિલા દર્દીઓને રાહત દરે તપાસવામાં આવ્યા હતા. બાયડમાં જયઅંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમાં મનહરભાઈ ઠાકરના સૌજન્યથી 232 વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું હતું. ક્રિષ્ના હોસ્પિટલના ડો.વિમલભાઈ પટેલ દ્વારા કાર્ડિયાક ચેકઅપ કેમ્પમાં દર્દીઓને રાહત દરે રિપોર્ટ કરી આપવામાં આવ્યા હતા, અને ડાયાબિટીસ કેમ્પમાં 42 દર્દીઓના ડાયાબિટીસ ચેકઅપ વિનામૂલ્યે કર્યા હતા. ગ્રામ્ય વિસ્તાર વનોડામાં યોગેશભાઈ પટેલ પરબિયાવાલા અને અંધજન મંડળ,નડિયાદના સહયોગથી રાખવામાં આવેલ નેત્ર નિદાન કેમ્પમાં વિધાન 435 દર્દીઓનાં નેત્ર વિનામૂલ્ય તપાસી 409 દર્દીઓને વિનામૂલ્ય ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઠાસરાના હોમિયોપોથી ડો. જીગ્નેશભાઈ શાહ અને વનોડાના આર્યુવેદિક ડો.ભાવનાબેન પટેલ દ્વારા દર્દીઓને વિના મૂલ્ય કુલ 128 દર્દીઓનું મેડિકલ ચેકઅપ વિના મૂલ્યે કરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વીરપુરના દિવ્યાંગને ટ્રાઈ સાઇકલ આપવામાં હતી. લાયન સેવા સપ્તાહ દરમિયાન 20 સેવા કાર્યમાં નગર અને ગ્રામજનો મળી કુલ 2626 પ્રજાજનોએ લાભ લીધો હતો.