સુરત: આવતીકાલે તા. 24 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સુરતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. આ એક જ દિવસમાં 200 કરોડથી ફાફડા જલેબી વેચાતા હોય છે. તેથી ફરસાણના વિક્રેતાઓએ ફાફડા જલેબી બનાવવાની તૈયારી કરી દીધી છે. હવે તો ફાફડા જલેબીના તૈયાર પેકેટ મળે છે, તેથી ફરસાણવાળા અગાઉથી જ પેકેટ તૈયાર કરી દે છે. આ ફાફડા જલેબીની ગુણવત્તા સામે દર વર્ષે પ્રશ્નો ઉઠતા હોય છે ત્યારે આજે દશેરાના એક દિવસ પહેલાં આજે સુરત મનપાના ફૂડ વિભાગના અધિકારીઓ ફરસાણની દુકાનો પર પહોંચી ગયા હતા અને ફાફડા જલેબીના સેમ્પલ લીધા હતા.
નવરાત્રીના દશેરાના દિવસે પરંપરા રીતે દશેરાનો તહેવાર સુરતીઓ અલગ રીતે પોતાના મોજીલા અંદાજમાં ઉજવતા હોય છે. રોજ ખમણ ખાતા સુરતીઓની દશેરાની સવાર ફાફડા જલેબી સાથે થતી હોય છે. સુરતીઓની જેમ રાજ્યભરમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી નું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે અમુક વેપારીઓ ગુણવત્તાવાળા ફાફડા અને જલેબીની જગ્યા પર ઓછી ગુણવત્તા અને ફાફડા જલેબીનું વેચાણ કરી વધુ નફો મેળવતા હોય છે.
આ મામલે અનેક ફરિયાદો રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી વિભાગને મળતી હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયક ના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના ફૂડ વિભાગના ઇસ્પેક્ટર જગદીશ સાલુંકે ની અલગ અલગ અધિકારીઓની ટીમ સુરત શહેરના તમામ ઝોનમાં લારી અને દુકાન પર આપણા જલેબી નું વેચાણ થતું હોય તે જગ્યા પર આજે સવારથી જ દરોડા પાડ્યા છે.
દશેરાના પર્વને લઈ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના ફાફડા-જલેબીના વેપારીઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી સેમ્પલો લેવામાં આવ્યા હતા. સાથે વેપારીઓના ત્યાંથી તેલની ચકાસણી કરી ઘીના પણ સેમ્પલો લેવાયા હતા. જે તમામ સેમ્પલો તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જે સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ કસુરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ એકટ હેઠળ કાર્યવાહીની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
લોકો ફાફડા જલેબી ઝાપટી જશે ત્યાર બાદ સેમ્પલનો રિપોર્ટ આવશે
ફૂડ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેરના નવ ઝોનમાં આવેલા ફરસાણના વેપારીઓના ત્યાં સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા વેપારીઓના ત્યાંથી ફાફડા જલેબીના સેમ્પલો લઇ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સેમ્પલોનો રિપોર્ટ ચૌદ દિવસ અથવા અઠવાડિયામાં આવે તેવી શકયતા છે. જે સેમ્પલો ખેલ જણાશે તો કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એડજ્યુકેટીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ સાથે પાલિકાની ટીમો દ્વારા શહેરના ફરસાણના વેપારીઓના ત્યાંથી ટેસ્ટો મીટર દ્વારા તેલની ચકાસણી પણ કરવામાં આવી છે. જ્યારે જલેબીમાં વપરાતા ઘીના સેમ્પલો પર લેવામાં આવ્યા છે.
સૌથી મહત્વની બાબતે બનીને સામે આવી છે કે, જે સેમ્પલો લેવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ ૧૪ દિવસ અથવા તો અઠવાડિયામાં આવે તેવી શક્યતા રહેલી છે. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા તો સુરતીઓ લાખો- કરોડોની ફાફડા જલેબીની જ્યાફત માણી જવાના છે. જેથી સુરતીઓને ખ્યાલ પણ ના હશે કે જે ફાફડા- જલેબી તેઓ આરોગી ગયા છે તે કેટલા આરોગ્યપ્રદ છે કે, બિન આરોગ્યપ્રદ તેવા સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે.