ગુજરા હુઆ જમાનાના સુરતીલાલાઓને બરોબર યાદ છે કે શ્રાદ્ધના દિવસોમાં શેરી, મહોલ્લાની ગલી ગલીમાં દલિત કોમના ચોક્કસ એક વર્ગ પુરુષ અને સ્ત્રી બંને નાનાં ભૂલકાં સાથે કોઇ શીરો, કોઇ પુરો. પુરીને બદલે પુરો મોટા અવાજથી બોલીને ઘરેઘર માંગવા નીકળતા. એમના લહેકા સાથેનો અવાજ હજુ આજે પણ કાનમાં ગૂંજે છે. કહેવું જોઇએ કે એ શ્રાદ્ધના દિવસોમાં શ્રદ્ધાપૂર્વક વિશેષ ઘરને મહિલા વર્ગ થાળી તૈયાર રાખતી. એ થાળીમાં શિરો, પુરી, દૂધપાક પુરી હોય, શકભાજી સાથે દાળભાત પણ હોય.
એ સમય પર એક એવી માન્યતા ઘર કરી ગઇ હતી કે આવા ગરીબ વર્ગની આંતરડી ઠરે તો આપણા ઘરના વિદાય થયેલાં પૂર્વજોની આંતરડી પણ ઠરે અને આશીર્વાદ પણ ફળે. એ સાથે યાદ રાખીને મહિલા વર્ગ ગાય, કૂતરા અને કાગડા માટે કાગડાઓની જમાત ભેગી થઇ જતી. કા… કા…કા…ના અવાજથી વાતાવરણ કાગડામય બની જતું. ત્યારે ગાય કૂતરા પણ ઘર આંગણે ધરાઈને ખાતા. એ જમાનામાં પીવાના પાણી માટે પણ ગલીમાં એક ચોક્કસ વિશેષ જગ્યા જોવા મળતી. પાણી પીને સંતુષ્ટીનો અનુભવ કરતા.
સૌથી મહત્ત્વની વાત એ કરવાની કે શ્રાદ્ધના આ દિવસોમાં પેલા ગરીબ વર્ગના પરિવારમાં મિષ્ટાન્ન સાથે ઘરનાં બાળબચ્ચાંઓને પેટ ભરીને જમવા મળતું. હવે આ બધી વાત ભૂતકાળ બની ગઇ છે. વર્તમાનકાળની નવી પેઢી આ બાબતથી અનજાન છે. ખેર, હવે ઘર આંગણે આવતી ગાય પણ કારણવશ બંધ થઇ ગઇ છે. કૂતરાઓને જાતજાતની બિસ્કીટોનો ચટાકો લાગ્યો છે. એ સાથે અગાશીમાં મૂકેલ થાળી જેમની તેમ રહી જાય છે. એ બધા કાગડાઓનાં ટોળે ટોળાં હવે નોનવેજવાળી માર્કેટ પાસે જયાફત ઉડાવે છે. આને શું કહેવું? સમયની બલિહારી કે પછી બીજુ કાંઇ? ઉપરવાળો જાણે.
સુરત – જગદીશ પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેન્કોમાં એક તરફી કાયદો કલમો કેમ?
સરકારી બેન્કો અને સરકારી સંસ્થાઓની પ્રિમાઇસીસની અંદર મોટા મોટા અક્ષરોમાં એવા બોર્ડ અને પેમ્પલેટો લગાડવામાં આવ્યા છે જે અનુસાર કોિ પણ ગ્રાહક જો સરકારી કર્મચારી વિરુધ્ધ અયોગ્ય વાણી વર્તન વ્યવહાર કરશે તો તેની સામે આઇપીસી જુદી જુદી કલમો દર્શાવી જણાવ્યું છે કે ગ્રાહકો વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હવે બીજા પક્ષકાર એટલે ગ્રાહકો તરફથી જોિએ તો જે ગ્રાહકો સાથે સરકારી કર્મચારી અયોગ્ય વ્યવહાર કરે તો તે અંગે કોઇ કાયદા કે કલમોની જોગવાઇ કેમ નથી? કોઇ પણ કાયદો બનાવો તો બંને પક્ષકારોને સમાનરૂપે લાગુ પડે તેવો હોવો જોઇએ નહી કે એક તરફી તો આ અંગે ગ્રાહકોના હિતનો સરકારે વિચાર કરવો જ જોઇએ અને એ અંગે પણ કોઇ કાયદો બનાવવો જોઇએ જે ન્યાયલક્ષી ગણાશે!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.