World

ગાઝાને માનવતાવાદી સહાય મળ્યા બાદ ઈઝરાયેલે ફરી બોમ્બમારો શરૂ કર્યો, હુમલાઓ વધારવાની ચેતવણી

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો (Israel Hamas War) આજે 15મો દિવસ છે. પેલેસ્ટાઈનના (Palastine) લોકોને રાહત સામગ્રી મળ્યા બાદ ઇઝરાયલે ફરી વેસ્ટ બેંકમાં હુમલાઓ શરૂ કરી દીધા છે. બીજી તરફ ઉત્તર ગાઝામાં અરબી ભાષામાં લખેલાં પેમ્ફલેટ જોવા મળ્યા છે. જેમાં લોકોને ઉત્તર ગાઝા (Gaza) ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ઇઝરાયલની સેનાએ લોકોને કહ્યું છે કે જો તેઓ આ વિસ્તાર ખાલી નહીં કરે તો તેમને પણ આતંકી સંગઠન હમાસના સહયોગી ગણવામાં આવશે. ઇઝરાયેલના સૈન્યએ શનિવારે જણાવ્યું હતું કે તે આયોજીત ભૂમિ આક્રમણ પહેલાં હમાસ -નિયંત્રિત ગાઝા પર હુમલાઓને આગળ વધારશે, કારણ કે યુએન એજન્સીઓએ નાકાબંધીવાળા પ્રદેશમાં “આપત્તિજનક” માનવતાવાદી પરિસ્થિતિની ચેતવણી આપી હતી.

ઇઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે યુદ્ધનો વ્યાપ સતત વધી રહ્યો છે. લેબનીઝ તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. હિઝબુલ્લા સાથે ઇઝરાયલનું યુદ્ધ ત્યાં પણ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઇઝરાયલે લેબનોન બોર્ડર પરથી 13 ગામોને ખાલી કરાવ્યા છે. સીરિયાની ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે ઇઝરાયલે રવિવારે સવારે અલેપ્પો અને દમાસ્કસના એરપોર્ટ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેમનો રનવે બરબાદ થઈ ગયો છે. એરપોર્ટ પર સેવાઓ બંધ કરવી પડી છે. દમાસ્કસ પર હવાઈ હુમલામાં 1 કર્મચારી માર્યો ગયો હોવાના પણ અહેવાલ છે.

અમેરિકા પશ્ચિમ એશિયામાં વધારાની એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરશે
બીજી તરફ અમેરિકાએ ઇરાનને ધમકી આપી છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તેની વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આ જાણકારી આપી છે. અમેરિકાએ ઈરાનને ઈઝરાયેલની સુરક્ષા માટે ધમકી આપતા મધ્ય પૂર્વમાં સૈન્ય તૈનાતી વધારવાનો આદેશ આપ્યો છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું છે કે મધ્ય પૂર્વમાં સૈનિકોની તૈનાતી ઉપરાંત યુએસ વધારાના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, THAAD અને પેટ્રિઓટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ તૈનાત કરી રહ્યું છે.

ઇઝરાયલે હમાસના આતંકવાદીઓને ખતમ કરવા માટે નવી એજન્સી ‘નિલી’ની રચના કરી
હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાને કારણે વિશ્વની સૌથી શક્તિશાળી એજન્સીઓ તરીકે ઓળખાતી મોસાદ અને શિન બેટ પર તમામ પ્રકારના પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થવા લાગ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતાને કારણે હમાસના આતંકવાદીઓએ આ સૌથી મોટો હુમલો કર્યો છે. હાલમાં પોતાના પરના સૌથી મોટા હુમલા બાદ ઇઝરાયલે હમાસના આતંકવાદીઓને ખતમ કરવા માટે નવી એજન્સી ‘નિલી’ની રચના કરી છે. આ અઠવાડિયે આ નવી સુરક્ષા એજન્સીની રચના પછી તેના સભ્યોને આપવામાં આવેલ ટાર્ગેટ દરેક હમાસ આતંકવાદી નુખ્વા (હમાસના લશ્કરી કમાન્ડો, જેઓ આતંકવાદી હુમલામાં સામેલ હતા) ને ખતમ કરવાનો લક્ષ્ય છે. સુરક્ષા મામલાઓ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે આ એજન્સીએ સૌથી વધુ તાકાતથી નિશાન સાધવાની તૈયારી શરૂ કરી દીધી છે.

Most Popular

To Top