Vadodara

પાલિકાની સામાન્ય સભામાં આરોગ્યનો મુદ્દો ઉછાળ્યો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મેયર પિંકી સોનીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા આરોગ્યનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. જો કે સત્તાધારી પક્ષ દ્વારા આરોગ્યની બાબતે પાલિકા સતર્ક હોવાનો બચાવ કર્યો હતો. મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા મ્યુ. કમિશ્નર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં મળી હતી. સાંજે 5 કલાકે આ સામાન્ય સભા શરુ થઇ હતી જેમાં પ્રાથમિકથી જ વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો.

ખાસ કરીને આરોગ્યના મુદ્દે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં ચોમાસુ પૂરું થયા બાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે જેને ડામવા સત્તાધારી પક્ષ નિષ્ફળ નીવડ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે સત્તાધારી પક્ષ દ્વારા આક્ષેપની છેદ ઉડાવી હાલમાં CHC અને PHC સેન્ટર સજ્જ હોવાનું જણાવ્યું હતું. અને પાલિકા દ્વારા રોજેરોજ રોગચાળાને નાથવાની કામગીરી અંગેનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. હાલ સુધીમાં કાયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે અંગે ડો. રાજેશ શાહે માહિતી આપી હતી.

સામાન્ય સભા પહેલા સંકલનની બેઠક બોલાવાઈ : નવા મેયરને પ્રોટેક્ટ કરવાની સૂચના?
પાલિકાના નવા મેયર તરીકે પિંકી સોનીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળવાની હતી. સમસનય રીતે સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલા ભાજપા કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળે છે પરંતુ આજે સામાન્ય સભા પહેલા આ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કેટલાક કોર્પોરેટરને જ બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, શાસકપક્ષના નતા મનોજ પટેલ. દંડક શૈલેષ પાટીલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, ડો. રાજેશ શાહ, નૈતિક શાહ, નીતિન દોંગા જેવા કોર્પોરેટરને જ બોલાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં નવા મેયર પિંકી સોનીને પ્રમોટ કરવાની સાથે સાથે તેઓને પ્રોટેક્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એમ પણ ચર્ચા છે કે હજુ સુધી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી નથી અને તેઓના ચેરમેનના નામ પણ બહાર આવ્યા નથી. ત્યારે આ બેઠકમાં તે અંગે પણ ચર્ચા થઇ હોવાની શક્યતા છે. જો કે આ બેઠકમાં મળેલ સૂચના બાદ સામાન્ય સભામાં નવા મેયરને આ કોર્પોરેટર પ્રોટેક્ટ કરતા ખાસ નજરે પડ્યા હતા.

Most Popular

To Top