ભારતીય સંસ્કૃતિ એ રહી છે કે વિજાતીય પાત્રો વચ્ચે જ લગ્ન શક્ય છે. લગ્ન એ સંબંધના જોડાણ સાથે એવી વ્યવસ્થા છે કે જેનાથી સમાજ બને છે. પરિવાર બને છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં સજાતીય પાત્રો એકબીજા સાથે રહી રહ્યા છે. આ સજાતીય પાત્રો લગ્નો પણ કરી રહ્યા છે અને ભારતમાં પણ સજાતીય પાત્રોને લગ્ન માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. આવા યુગલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમને પણ અન્ય લોકોની જેમ લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ.
જેના પર સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ આવા લગ્નોને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાથી સ્પષ્ટ થાય છે કે તે તેની વિરુદ્ધ છે, તેથી સંસદમાં આ અંગે કાયદો બનાવવો શક્ય જણાતું નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા મામલો કેન્દ્રમાં મોકલાયો હોવાથી ચર્ચા હજુ પણ યથાવત જ છે કે સજાતીય પાત્રો લગ્નો કરી શકે કે કેમ? કેન્દ્ર સરકાર આવા લગ્નોને મંજૂરી આપવાની નથી. સજાતીય પાત્રોને લગ્ન કરવાની છૂટ આપવાના કેટલાક ફાયદા પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ વિશ્વના કેટલાક દેશો એવા છે કે જેણે સજાતીય પાત્રો વચ્ચેના લગ્નોને મંજૂરી આપી છે અને તેમાં 10 મુસ્લિમ દેશો પણ છે.
ખરેખર સજાતીય પાત્રોને લગ્ન કરવાની મંજૂરી આપવી જોઈએ કે કેમ તે મુદ્દે અનેક મતમતાંતરો છે. સામાન્ય રીતે લગ્નની પાછળનો હેતુ બે પાત્રો સાથે જોડાય તેની સાથે સાથે પ્રજનનનો પણ જોડાયેલો છે. કારણ કે સમાજને ચલાવવા માટે બે વિજાતીય પાત્રોની કાયમ જરૂરીયાત રહેવાની છે. જો સજાતીય પાત્રો દ્વારા કરવામાં આવતા લગ્નોની સંખ્યા વધે તો સમાજનું પુરૂષ અને સ્ત્રી વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય તેમ છે.
આ કારણે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતે સજાતીય પાત્રોના લગ્નની વિરૂદ્ધમાં હોવાનું સોગંદનામું પણ કર્યું છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં લગ્નપ્રથા ખૂબ મજબૂત છે. ભારતમાં છૂટાછેડા નથી થતાં તેવું નથી પણ લગ્નો ટકવાની બાબતમાં ભારતમાં ટકાવારી ઘણી ઊંચી છે. વિશ્વના અન્ય દેશોમાં આવી ટકાવારી ઓછી છે અને તેમાં લગ્નની માન્યતમાં પ્રજનનનો મુદ્દો એટલો પ્રસ્તુત રહેતો નથી.
આ કારણે જ વિશ્વના અન્ય દેશોમાં વસતીનું પ્રમાણ પણ ઓછું છે. વિશ્વમાં 34 દેશ એવા છે કે જે દેશમાં સમલૈંગિક અથવા સજાતીય પાત્રો વચ્ચેના લગ્નોને છૂટ આપવામાં આવી છે. કેટલાક દેશો દ્વારા આ માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને કેટલાક દેશોમાં સજાતીય લગ્નો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુસ્લિમ દેશોમાં લેબેનોન દેશમાં સમલૈંગિકને છૂટ અપાઈ છે. સાથે સાથે કઝાકિસ્તાન, માલી, નાઈજર, તુર્કી, ઈન્ડોનેશિયા, અલ્બેનિયા, બહેરીન, ઉત્તરી સાયપ્રસ અને અઝરબૈજાન દેશમાં પણ સમલૈંગિકોને લગ્નની છૂટ આપવામાં આવી છે.
જોકે, આ પૈકી ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નોને અન્ય લગ્નો જેવા અધિકારીઓ આપવામાં આવ્યા નથી. ભારતમાં લગ્ન શબ્દના આધારે અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. જો સજાતીય પાત્રો વચ્ચેના લગ્નોને છૂટ આપવામાં આવે તો લગ્ન પર આધારીત અનેક કાયદાઓનો છેદ ઉડી જાય તેમ છે. આ કારણે જ ભારતમાં સજાતીય પાત્રો વચ્ચેના લગ્નોને માન્યતા આપવામાં આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.
જો સજાતીય પાત્રોની સાથે રહેવા માટેની માંગણી હોય તો કેન્દ્ર સરકાર તે અંગેના કાયદાઓ ઘડી શકે છે પરંતુ તેને લગ્નનો દરજ્જો મળે તેવી શક્યતા નહીંવત્ત છે. જો સજાતીય પાત્રોને લગ્નનો દરજ્જો આપવામાં આવે તો અનેક પ્રશ્નો ઊભા થાય તેમ છે. જે રીતે લગ્ન સિવાય લીવ ઈન રિલેશનશિપમાં યુગલો રહી શકે છે તેવી જ રીતે સજાતીય પાત્રો માટે પણ આવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર વિચારી શકે છે. સજાતીય પાત્રો વચ્ચેના લગ્નોની ખૂબ મોટી અસર સમાજ પર થાય તેમ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર આવા લગ્નોને મંજૂરી આપે તેવો નિર્ણય લેશે નહીં તે નક્કી છે.