સુરત: હાલ વિશ્વમાં બે છેડે યુદ્ધ ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કામકાજ હોલ્ડ પર મુકાઈ ગયા છે. તમામ સેક્ટર પર આ યુદ્ધોની અસર પડી છે. હીરા ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. હીરા બજારમાં વેપારીઓ અને દલાલો સમય કાઢી રહ્યાં છે, તૈયાર માલમાં કોઈ પૂછપરછ નથી અને ખપપૂરતી જરૂરિયાત હોય તો માલ મળી પણ જાય છે.
હીરા ઉદ્યોગમાં (Diamond Industry) છેલ્લાં કેટલાંય સમયથી મંદી (Recession) ચાલી રહી છે, તેના લીધે કારખાનેદાર(Manufacturer) , વેપારી (Trader) અને દલાલ (Broker) બધા જ મુશ્કેલીમાં મુકાયા છે. વેપાર થતો નહીં હોવાના લીધે આર્થિક તકલીફો વધી છે. મંદીના લીધે કામકાજ ઘટી ગયા છે.
હાલમાં મંદીના લીધે વેપારીઓ 6 ટકા ઓછામાં માલ માંગે છે. આ ઉપરાંત 7થી 10 ટકા ઓછા ભાવે માલ વેચાઈ રહ્યો છે. 50 હજારનો માલ 44 હજારમાં પડે છે. જોકે, આ ભાવે પણ બાયર્સ મળતા નથી. મંદીના બહાને વેપારીઓ પેમેન્ટમાં (Payment) પણ બહાના કરવા લાગ્યા છે, તેના લીધે હવે ફરી એકવાર હીરા ઉદ્યોગમાં પેમેન્ટનો જૂનો નિયમ પરત ફર્યો છે.
મંદીના લીધે પેમેન્ટ અટવાતા હોય હીરા બજારમાં વટાવનો જૂનો ધારો પાછો લાગુ થઈ ગયો છે. અઢી ત્રણ મહિના પહેલાં રફ અને પોલિશ્ટ નેટ ટુ નેટ પેમેન્ટ કન્ડીશનમાં વેચાતું હતું, અત્યારે અનુક્રમે 4થી 6 ટકા જેટલો વટાવ ધારો થઈ ગયો છે.
પોલિશ્ડ ડાયમંડમાં કામકાજ ખૂબ ઓછા છે, તેથી 8થી 10 ટકા ઓછા ભાવે માલ વેચવાની સ્થિતિ બજારમાં ઉદ્દભવી છે. માલ તો વેચાઈ જાય છે પરંતુ કોઈ કમાતું નથી. કારણ કે પોલિશ્ડમાં ડિમાન્ડ નથી.
તેના જ લીધે મંદીના આ સમયમાં છેલ્લાં ત્રણ મહિનામાં વટાવનો ધારો પાછો આવી ગયો છે. પોલિશ્ડમાં 6 ટકા ઓછો થાય છે અને રફમાં 4 ટકા ઘટાડે સોદા થાય છે. તેજી હતી ત્યારે કશું બાદ થતું ન હતું અને નેટ ટુ નેટ પેમેન્ટ થતું હતું. હવે ફરી જૂનો ધારો અમલમાં મુકાયો છે.
ડે ટુ નેટ મળતું હતું ત્યારે બધા કમાતા હતા. તેજીના સમયે આંગડીયું પણ કપાતું નહોતું. જોકે, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
વેપારીઓ કહે છે કે કપરાં દિવસો ચાલી રહ્યાં છે. કારખાનાઓમાં ઉત્પાદન ધીમું કરવામાં આવ્યું છે. કામકાજના કલાકો ઘટ્યા છે. પોલિશ્ડનો જૂનો સ્ટોક નિકાલ વગરનો પડ્યો છે અને તેમાં પણ ભાવ ઘટી રહ્યાં હોવાના લીધે સ્ટોકના વેલ્યુએશનમાં મોટો ફટકો પડ્યો છે. દિવાળી સુધી કારખાના જેમ તેમ ચાલુ રાખવાના પ્રયાસો થઈ રહ્યાં છે.