નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે ગર્ભવતી મહિલાઓ માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટમાં આજે બે બાળકોની માતા એવી એક પરિણીત મહિલાની તેનો 26 સપ્તાહનો ગર્ભ પડાવી નાખવાની પરવાનગી માગતી અરજી ફગાવી દીધી હતી કારણ કે ભૃણ તંદુરસ્ત છે અને એઇમ્સના ડોકટરોને તેમાં કોઇ અસામાન્યતા જણાઇ નથી.
- બે બાળકોની માતા એવી આ મહિલાનો ત્રીજી વખતનો ગર્ભ તંદુરસ્ત હોવાના એઇમ્સના ડોકટરોના અભિપ્રાય પછી સુપ્રીમનો મહત્વનો નિર્ણય
- આ મહિલાને ગર્ભપાતની મંજૂરી આપતો ૯ ઓકટોબરનો ચુકાદો પાછો ખેંચવાની કેન્દ્ર સરકારની માગણી મંજૂર
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે ગર્ભાવસ્થાની લંબાઇ ૨૪ સપ્તાહનો સમય વટાવી ગઇ છે, જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી(એમટીપી) માટેની ઉપલી મર્યાદા છે અને તે પછી ગર્ભપાત માટે મંજૂરી આપી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ગર્ભ ૨૬ સપ્તાહ અને 5 દિવસનો છે અને માતાને તત્કાળ કોઇ ખતરો નથી. ભૃણમાં પણ કોઇ વિસંગતતા નથી, એમ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો પણ સમાવેશ ધરાવતી બેન્ચે કહ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે દિવસ દરમ્યાન અગાઉ જણાવ્યું હતું કે ગર્ભાવસ્થાનો અંત લાવવા માટેના કાયદાને પડકારતી અરજી અલગથી હાથ ધરવામાં આવશે અને હાલનો કેસ અરજદાર અને સરકાર પૂરતો મર્યાદિત છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ એ બાબતે એઇમ્સના મેડિકલ બોર્ડ પાસે અહેવાલ માગ્યો હતો કે આ મહિલાના ગર્ભમાંનું ભૃણ કોઇ અસામાન્યતાથી ગ્રસ્ત છે કે કેમ? બેન્ચ આ કેસમાં કેન્દ્ર સરકારની દલીલોની સુનાવણી કરી રહી હતી જે સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ તેનો ૯ ઓકટોબરનો એ ચુકાદો પાછો ખેંચી લેવાની માગણી કરી હતી જે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બે બાળકોની માતા એવી ૨૭ વર્ષીય મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી જેણી તેના બીજા બાળકના જન્મ પછી પ્રસુતી પછીની માનસિક તકલીફોથી પિડાતી હતી.