આણંદ : આણંદ શહેરમાં કેટલાક રહેણાંક વિસ્તારોમાં વાનરોનો ત્રાસ ખૂબ જ હોવાથી મકાનમાં બારી બારણા કે ગેલેરી પર ફરતે નેટ લગાવે છે. જોકે, આ નેટમાં જ રવિવારે સવારે બે વાંદરાના બચ્યાં ફસાઈ ગયા હતાં. જેથી તે મકાનની ફરતે વાનરોનું ટોળું ભેગું થઈ ગયું હતું. લગભગ 20 થી 25 જેટલાં વાનરોએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો. કલાકો સુધી વાનરોના ટોળાએ ધમાચકડી મચાવી દીધી હતી.
આ અંગેની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડના ફાયરમેન નરેન્દ્રસિંહ પંડ્યા અને વિદ્યાનગર નેચર ક્લબના નરેન્દ્રસિંહ ચૌહાણ પોતાની ટીમ સાથે તુરંત જ સ્થળ પર પહોંચ્યાં હતાં અને રેસક્યું હાથ ધર્યું હતું. આ દરમિયાન વાનરોના ટોળાએ રેસક્યુ કરવા આવેલી ટીમ ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, આ બંને ટીમોએ સાવચેતી અને નીડરતાથી સમજદારીપૂર્વક કામ લીધું હતું અને મકાનની ગેલેરીમાં જઈને આ બંને વાંદરાના બચ્યાંને પકડ્યાં હતાં. જે બાદ નેટ કાપી બંને બચ્યાંને બચાવી લીધાં હતાં અને ખુલ્લા વાતાવરણમાં છોડી દીધાં હતાં.