Sports

વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો અપસેટ, અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું

ODI વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) રવિવારે રમાયેલી 13મી મેચમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. વિશ્વ કપના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય જોવા મળ્યો ન હતો તેવો પલટો આવ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની (England) ટીમ સામે હતો. અફઘાનિસ્તાનની ટીમે આ મેચમાં ઈતિહાસ રચ્યો છે અને ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું છે.

ODI વર્લ્ડ કપની 13મી મેચમાં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે 285 રનનો ટાર્ગેટ હતો પરંતુ તેની આખી ટીમ 40.3 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અફઘાનિસ્તાને વર્લ્ડ કપની 13મી આવૃત્તિમાં પ્રથમ અપસેટ સર્જ્યો હતો. તેઓએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટી જીત હાંસલ કરી હતી. અફઘાન ટીમે આ મેચ 69 રને જીતી લીધી હતી. 2015ના વર્લ્ડ કપ બાદ ટૂર્નામેન્ટમાં આ તેની પ્રથમ જીત છે. તે જ સમયે ઇંગ્લેન્ડને 12 વર્ષમાં બીજી વખત ભારતીય ધરતી પર ઉલટનો સામનો કરવો પડ્યો છે. 2011ના વર્લ્ડ કપમાં આયર્લેન્ડે બેંગ્લોરમાં તેને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

અફઘાનિસ્તાન માટે તેના સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અનુભવી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ઓફ સ્પિનર ​​મોહમ્મદ નબીએ બે વિકેટ પોતાના નામે કરી હતી. રાશિદ, મુજીબ અને નબીએ મળીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી.

બંને ટીમની પ્લેઈંગ ઇલેવન
ઇંગ્લેન્ડ: જોની બેરસ્ટો (વિકેટકીપર), ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ, રીસ ટોપલી.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકિપર), ઇબ્રાહિમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ, અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.

Most Popular

To Top