ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (War) વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હમાસનો ટોચનો કમાન્ડર (Commander) ઈઝરાયેલની સેનાના હવાઈ હુમલામાં (Air Strike) માર્યો ગયો છે. ઇઝરાયેલમાં કિબુત્ઝ નિરીમ હત્યાકાંડ માટે જવાબદાર હમાસનો ટોચનો કમાન્ડર બિલાલ અલ-કેદરા આજે ઇઝરાયેલના હવાઇ હુમલામાં માર્યો ગયો છે તેવું ઇઝરાઇલી એર ફોર્સ (IAF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇઝરાયલી ગુપ્તચરોએ ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર ખાન યુનિસમાં બિલાલ અલ-કેદરાનું સ્થાન શોધી કાઢ્યું હતું. આ પછી હવે તે હવાઈ હુમલામાં માર્યો ગયો છે. તમને જણાવી દઈએ કે અલ કેદરા નુખ્બા ફોર્સનો કમાન્ડર હતો જે હમાસના ઇઝ અદ-દિન અલ-કાસમ બ્રિગેડના સ્પેશિયલ ફોર્સ યુનિટ હેઠળ નૌકા કમાન્ડો યુનિટ હતો.
IAFએ તેના નિવેદનમાં કહ્યું કે હમાસ અને ઇસ્લામિક જેહાદના અન્ય આતંકવાદીઓ પણ આ હુમલામાં માર્યા ગયા છે. ઈઝરાયેલની વાયુસેનાએ ટ્વિટર પર હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ હમાસના ઓપરેશનલ કમાન્ડ સેન્ટરો અને લશ્કરી સંકુલોને નિશાન બનાવીને ઝાયતુન, ખાન યુનિસ અને પશ્ચિમી જબાલિયામાં 100 થી વધુ લશ્કરી લક્ષ્યો પર મોટા હવાઈ હુમલાઓ કર્યા છે. આ હવાઈ હુમલાઓએ ઘણા એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પેડ્સ અને ઓબ્ઝર્વેશન પોસ્ટનો પણ નાશ કર્યો છે.
હમાસે ગયા અઠવાડિયે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી
ગયા અઠવાડિયે જ હમાસના આતંકવાદીઓએ સનસનાટીભર્યા જમીન, દરિયાઈ અને હવાઈ હુમલામાં મોટરાઈઝ્ડ ગ્લાઈડર, બોટ અને પગપાળા ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી. ગાઝા સરહદથી એક માઈલથી પણ ઓછા અંતરે આવેલ કિબુત્ઝ (વસાહત) નિરીમ, હમાસે જ્યાં નરસંહાર કર્યો હતો તે લક્ષ્યોમાંનું એક હતું. નિરીમના રહેવાસીઓ અને સરહદ પરના અન્ય નાના ખેડૂત સમુદાયો હમાસ તરફથી વારંવાર રોકેટ હુમલાઓથી ટેવાયેલા છે. ત્યાં રહેતા લોકો વારંવાર પ્રબલિત સુરક્ષિત રૂમમાં આશ્રય લે છે. કેટલીકવાર તેઓ તેમાં સૂઈ જાય છે કારણ કે 2005 માં પેલેસ્ટિનિયન પ્રદેશમાંથી અમેરિકાના એકપક્ષીય પીછેહઠ પછી હમાસ ગાઝામાં સત્તા પર આવી હતી.
હમાસના હુમલામાં ઇઝરાયેલની વસાહતમાં ડઝનેક લોકોના મોત થયા હતા
માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા જ હમાસનો ડેપ્યુટી કમાન્ડર પણ હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. ઇઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની વસાહત પર હમાસના હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. હવે ગાઝા સિટી પર ઇઝરાયેલના અન્ય હવાઈ હુમલામાં હમાસના એક વરિષ્ઠ લશ્કરી કમાન્ડર માર્યા ગયા છે જે ઇસ્લામિક જૂથની હવાઈ કાર્યવાહીનું નેતૃત્વ કરી રહ્યા હતા. મુરાદ અબુ મુરાદ હમાસના ઓપરેશનલ સેન્ટર પર થયેલા હુમલામાં માર્યો ગયો છે. જેના કારણે હમાસ સંગઠનની કમર તૂટવા લાગી છે.