Business

નવરાત્રિમાં ક્રિકેટ ફિવર, સુરતના ખૈલેયાઓએ શરીરે ક્રિકેટ સ્ટારના ટેટુ ચિતરાવ્યા

સુરત: સુરતીઓ પર નવરાત્રિ સાથે ક્રિકેટનો ફિવર ચઢ્યો છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે અને આવતીકાલે રવિવારથી નવરાત્રિના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરતી ખૈલેયાઓએ ક્રિકેટરો સહિતના ટેટૂ પીઠ પર પડાવ્યા છે. ઈન્ડીયન ટીમને સપોર્ટ કરવા માટે સુરતી ખૈલેયાઓએ ટેટુ પડાવ્યા છે.

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનની ટીમની ધીમી પણ મક્કમ શરૂઆત રહી છે. આ મહા મુકાબલા જેવી મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવા લાખ લોકો ભેગા થયા છે. સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે.

મેચ જોવા નહીં જઈ શકેલા સુરતીઓએ પણ ઈન્ડિયન ટીમને સપોર્ટ કરવા માટે પોતાના શરીર પર ટેટુ ચિતરાવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા અને ટીમને ચીયરઅપ કરવા સુરતના ક્રિકેટ ચાહકો દ્વારા પોતાના શરીર પર ઈન્ડિયાનો ફ્લેગ, ક્રિકેટ સ્ટારના ચહેરાના ટેટુ પડાવ્યા છે.

આવતીકાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે આ ટેટુ નવરાત્રિમાં પણ ધૂમ મચાવશે. ભારત પાકિસ્તાનની મેચ બાદ પણ વર્લ્ડકપની અન્ય મેચો માટે ભારતીય ટીમને સુરતી ખૈલેયાઓ સપોર્ટ કરતા રહેશે.

Most Popular

To Top