Business

સુરતમાં આટલા જ્વેલર્સ પાસે હોલમાર્ક અને બીઆઈએસનું લાયસન્સ છે

સુરત(Surat) : વિશ્વમાં (World) દર વર્ષે તા.14 ઓક્ટોબરના રોજ ‘આંતરરાષ્ટ્રીય માનક દિવસ’ની (International Standards Day) ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં (India) ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં અને પર્યાવરણ સામેના પડકારોને પહોંચી વળવામાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની કામગીરી અને કાર્યપ્રણાલી અંગે સિનીયર ડિરેક્ટર અને હેડ(સુરત એકમ)ના એસ.કે.સિંહે કહે છે કે, સુરતમાં 1210 જેટલા BIS લાયસન્સધારકો અને 3034 જેટલા હોલમાર્કધારકો (Hallmark Holders) છે, જ્યારે દેશભરમાં BIS લાયસન્સની સંખ્યા ધરાવતા 40 હજાર એકમો છે. 30,000થી વધુ ઔદ્યોગિક ઉત્પાદનો માટે BIS પ્રમાણીકરણ કરવામાં આવે છે.

સુરતની BIS શાખા કચેરી દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને મણને તેમજ મહારાષ્ટ્રના ધુલિયા અને નંદુરબાર માટે પ્રમાણીકરણની કામગીરી કરે છે. સુરત શહેર ખાતે BIS ની કચેરી, પહેલો માળ, દૂરસંચાર ભવન, ડદોડ રોડ ખાતે કાર્યરત છે. બી.આઈ.એસ. દ્વારા સિવિલ એન્જિનીયર, ઈલકટ્રોનિકસ, એગ્રીકલ્ચરલ, મેડિકલના સાધનો, પેટ્રોલિયમ ઉત્પાદનો, સર્વિસ સેકટર, ટેક્ષટાઈલ ડિપાર્ટેમન્ટ, વોટર રિસોર્સ જેવા અનેકક્ષેત્રોની વસ્તુઓને બી.આઈ.એસ. હોલમાર્ક હેઠળ આવરી લેવામાં આવી છે.

એસ.કે.સિંહે વધુમાં કહ્યું કે, 2023ના વર્ષમાં ‘બહેતર વિશ્વ માટે સહભાગી દ્રષ્ટિકોણ’ ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. તા.૧૪મી ઓકટોબરના રોજ સવારે 9.30 વાગે હોટલ ધ ગ્રાન્ડ ભગવતી ખાતે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સુરત શાખા દ્વારા વિશ્વ માનક દિવસ સમારોહ થશે. જેમાં વિવિધ નિષ્ણાંત વકતાઓ દ્વારા ગુણવત્તા સંબધીમાર્ગદર્શન આપવામાં આવશે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) શું છે?
BIS-બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરે છે. તેની સ્થાપના બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ-૧૯૮૬ હેઠળ થઈ છે, BIS 23ડિસેમ્બર- 1986 ના રોજ અમલમાં આવી હતી. આ સંસ્થા અગાઉ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યુશન (ISI) ના નામે ઓળખાતી હતી. તે વિવિધ સ્ટાન્ડર્ડ બનાવવા અને અમલીકરણ, ઉત્પાદનો અને સિસ્ટમો બંને માટે પરીક્ષણ અને સર્ટિફિકેટ આપવા, ટેસ્ટીંગ લેબોરેટરીઓનું સંગઠન અને મેનેજમેન્ટ, તાલીમ પ્રવૃત્તિઓ, ગ્રાહક જાગૃત્તિ અને ઇન્ટરનેશનલ માનક સંસ્થાઓ સાથે ગાઢ સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે.

BISની સ્થાપના BIS એક્ટ 2016 હેઠળ કરવામાં આવી હતી. BISની સ્થાપના માલસામાનના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા પ્રમાણપત્રની પ્રવૃત્તિઓના સંકલન માટે કાર્યરત છે. BIS રાષ્ટ્રીય અર્થતંત્રને સ્ટાન્ડર્ડાઇઝેશન, સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડે છે. સુરક્ષિત, વિશ્વસનીય ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો પ્રદાન કરે છે. જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. આયાત અને નિકાસ વિકલ્પોને પ્રોત્સાહન મળે છે.

સોનાના ઘરેણાઓની ખરીદી કરતા સમયે ગ્રાહકો તકેદારી રાખવી
બી.આઈ.એસ.ની હોલમાર્કિંગ યોજના દ્વારા લોકોને ભેળસેળથી બચાવવા અને સુંદરતાના માન્ય ધોરણો જાળવી રાખવા સોના જેવી કિંમતી વસ્તુઓમાં હોલમાર્કિંગના દાયરામાં લાવવામાં આવી છે. જેનાથી ગ્રાહકોને શુદ્ધતાની ખાત્રી મળે છે. આ સ્કીમ અનુસાર, BIS દ્વારા જ્વેલર્સને હોલમાર્કિંગ સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન આપવામાં આવે છે. સોનાની દરેક વસ્તુ પર એચ.યુ.આઈડી ફરજિયાત કરેલ છે આ એચ.યુ.આઈડી નંબર 6 અંકનો હોય છે, જેથી ઘરેણાની ખરીદી સમયે તેની તકેદારી રાખવી હિતાવહ છે. રમકડાઓ પર પણ આઈ.એસ.આઈ. માર્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top