Charchapatra

યુદ્ધ કેમ? યુદ્ધની પીડા કેમ?

વિશ્વમાં છેલ્લા થોડા સમયથી યુદ્ધની મોસમ ચાલી રહી છે.તમામ દેશોને એકબીજાથી આગળ વધી જવું છે.બધાને જ મહાસત્તા બની જવું છે.કરોડો અબજો રૂપિયા ખર્ચીને હથિયારો બનવવામાં અને ખરીદવામાં તેમજ વેચવામાં આવે છે.ખબર નહિ કે આ યુદ્ધ કોણ ઈચ્છે છે? લોકો? સૈનિકો? કે પછી નેતાઓ? જો નેતાઓને યુદ્ધનો શોખ હોય તો જાય ને સરહદ પાર અને કરે યુદ્ધ,લડે એક નેતા બીજા નેતા સાથે કે પછી મોકલે પોતાના યુવાન દીકરાઓને સરહદ પર.લોકોને જીવો અને જીવવા દો. નિર્દોષ પ્રજાનો ભોગ લેવાની ક્યાં જરૂર છે? પાછા ચાલાક કેટલા છે આ નેતાઓ કે પહેલાં યુદ્ધ શરૂ કરે અને પછી તરત જ શાંતિ વાર્તા શરૂ કરે.ભાષણો આપે કે કોઈ એવી સમસ્યા નથી જેને વાતચીતથી ઉકેલી ન શકાય?

લોકોએ અને ખાસ કરીને બધી જ માતાઓએ વિચારવા જેવું છે કે ખરેખર યુદ્ધ અગત્યનું છે કે પોતે જેને જન્મ આપ્યો છે એ જીવ? યુદ્ધ વર્ષોથી થતાં રહ્યાં છે કદાચ આગળ પણ થતાં રહેશે. શું બદલાયું? કોને બધું જ મળી ગયું? યુદ્ધમાં નિર્દોષ લોકો અને સૈનિકો શહીદ થતા ગયા અને નેતાઓ કે જેમના કારણે યુદ્ધ થયાં એ નેતાઓ એકબીજા સાથે ચા-કોફી પીતા હોય. આવા નેતાઓ મૃત્યુ પામે એટલે ઇતિહાસમાં અમર થઇ જાય. એમના નામના રોડ,વિસ્તાર,મેદાનો અને પૂતળાં બનીને પૂજન શરૂ થઇ જાય.સૈનિકો એમનાં પરિવારો અને નિર્દોષ લોકોનાં પરિવારોનું શું? આટલી પ્રગતિ કરી પછી પણ આટલી લાલચ કેમ?
સુરત     – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top