Charchapatra

ભાગળ ભગવાન ભરોસે

ધણી વગરનાં ઢોર જેવી હાલત શહેરના રાજમાર્ગ પર આવેલા ભાગળના મહત્ત્વના વિસ્તારની થઇ છે. અહીં કુલ 6 રસ્તા ભેગા થાય છે. માથાના દુ:ખાવા સમાન અહીંના પોઇંટ પર ટ્રાફિક કંટ્રોલ કરનારા નવા નિશાળિયા યુવાન યુવતીઓ એમની ડયૂટી પુરી થાય એ પહેલાં બપોરે 12 વાગ્યાના સમય પર આ સ્થાન છોડીને જતા રહે છે. પહેલાં કોઇ ડ્રેસવાળા અનુભવી પોલીસવાળા સહિત બપોરે ત્રણ વાગ્યા સુધી ફરજ જવાબદારી બજાવતા જોવા મળતા હતા.

છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાગળ ભગવાન ભરોસે કયા કારણસર છોડીને જતા રહે છે એનું રહસ્ય સમજાતું નથી. હાલ તો અહીં ઘડી ઘડી ટ્રાફિકની અફરાતફરી સાથે નાનાં નાનાં છમકલાં જોવા મળે છે. કોઇ મોટા અકસ્માતની દિવાળી સામે રાહ જોવાઈ રહી છે? કોઇ માઇના લાલનો ભોગ નહીં લેવાય એવી પ્રાર્થના કરવી પડે. સૈયદપુરામાં આવેલી અમારી મેડીકલ એજન્સીના બેંકના કામકાજ માટે જતા આવતા આવો નઝારો રોજ નિયમિત જોવા મળે છે.

હજુ સુધી એની ગંભીરતા પોલીસ ખાતાને કેમ દેખાતી નથી એ પણ એક પ્રશ્ન બની ગયો છે. અધૂરામાં પૂરુ અહીં પડેલા ને પાથરેલા રિક્ષાવાળા અને લારીવાળાનું ન્યુસન્સ પણ જોવા મળે છે એ સાથે ટ્રાફિકની સાઇડ ઇફેકટ અંદરના ભાગમાં આવેલા ભાજીવાળી પોળના ચાર રસ્તાની અને કોટસફીલના ચાર રસ્તાની પણ જોવા મળે છે.  કયારેય ટ્રાફિકનું ભારણ એટલું વધી જાય છે કે એ દબાણ દૂર કરવા માટે કોઇ સમજદાર રાહદારી વચમાં ઊભો રહી ટ્રાફિક કંટ્રોલ કરે છે.

જે ડયૂટી પોલીસ ખાતાવાળાએ કરવી જોઇએ એ જવાબદારી જતાં આવતાં નાગરિકો કરી રહ્યાં છે. આવી તે કેવી પોલીસ ખાતાની બેદરકારી? બેજવાબદારી? આ ગંભીર સમસ્યા હલ કરવા માટે તાકીદે કોઇ અનુભવી પોલીસનો સ્ટાફ ટ્રાફિક કંટ્રોલ કરે એવી લોકોની લાગણી અને માંગણી છે. આશા રાખીએ કે તાકીદે એનો ઉકેલ આવે અને પ્રજાને એનાથી રાહત થાય. દિનપ્રતિદિન સુરત ખૂબસૂરતને બદલે બદસૂરત બનતું જાય છે. એના માટે સત્તાવાળા જવાબદાર ગણાય.
સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top