અમદાવાદ: (Ahmedabad) ICC વર્લ્ડ કપમાં (World Cup) ભારત પાકિસ્તાન (India Pakistan) વચ્ચે 14 ઓક્ટોબરના રોજ મેચ રમાશે. ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ હમેશા સંવેદનશીલ માનવામાં આવે છે. તેના પર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમનારા હોવાથી તંત્ર વધુ એલર્ટ છે. મેચને લઇને મળેલા ધમકીભર્યા ઇ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ખાસ કરીને અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી છે. લગભગ 5000 જેટલા પોલીસનો કાફલો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખડકી દેવાશે.
- અમદાવાદમાં 14મીએ ભારત-પાક મેચને લઈ તંત્ર સતર્ક
- CMએ ગૃહ રાજ્યમંત્રી તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
- સ્ટેડિયમમાં વીવીઆઈપી માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા
- શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ ગોઠવાશે
ગાંધીનગર ખાતે (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આગામી તા.14 ઓક્ટોબરે અમદાવાદ ખાતે રમાનારી આઈ.સી.સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ બાબતે સુરક્ષાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગ યોજી હતી. મિટીંગમાં મેચને લઈ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા તેમજ દર્શકોની સલામતી અને ટ્રાફિક નિયમન અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. CMની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ ગોઠવી દેવાની તૈયારી કરાઈ છે. ઉપરાંત શહેરના સંવેદનશીલ વિસ્તારો, સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર અને સ્ટેડિયમમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવશે. સ્ટેડિયમ તરફ જતા તમામ રસ્તાઓ, હોટલો, ગેસ્ટહાઉસ પર નજર રાખવામાં આવશે. 11 ઓક્ટોબરથી જ સર્ચ ઓપરેશન માટે સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે.
વીવીઆઈપી માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા
ન.મો. સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત-પાકની મેચ જોવા લગભગ 25% VVIP આવશે. તેઓને એરપોર્ટથી સ્ટેડિયમ સુધી લાવવા માટે વિશેષ કોરિડોર બનાવવામાં આવશે. એસ્કોર્ટ્સ મારફતે VVIPને સ્ટેડિયમ સુધી લઇ જવાશે. પ્રત્યેક એસ્કોર્ટ્સ સાથે ડીએસપી લેવલના અધિકારી રહેશે. કોઈ પણ અપ્રિય ઘટનામાં VVIPને તાત્કાલિક સ્ટેડિયમમાંથી બહાર કાઢી શકાય તે માટે સ્ટેડિયમની પાછળની બાજુ 3 સ્પેશિયલ એક્ઝિટ ડોર બનાવવામાં આવશે.