ધરમપુર (Dharampur) : છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના (HeartAttack) કિસ્સા ચિંતાજનક હદે વધ્યા છે. રોજ કોઈને કોઈ યુવાનના હાર્ટ એટેકના લીધે મોતના (Death) સમાચાર સામે આવી રહ્યાં છે, ત્યારે આવો જ એક ડરાવનારો બનાવ કપરાડાના (Kaprada) અંતરિયાળ વિસ્તારમાં બન્યો છે. અહીંથી ચાલુ બસે એસટીના (ST Bus) કંડકટરને (Conductor) હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે મુસાફરોના (Passanger) જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે, ડ્રાઈવર, મુસાફરો અને 108ના સ્ટાફની સતર્કતાના લીધે કંડકટરનો જીવ બચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ધરમપુર એસ.ટી ડેપોના કંડકટરને ફરજ દરમિયાન કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કરજુંન નજીક ચાલુ બસમાં હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી. આ વિસ્તારમાં મોબાઈલનું નેટવર્ક પણ નહીં હોય કંડકટરનો જીવ કેવી રીતે બચાવવો તે મુંઝવણ ઉભી થઈ હતી. ડ્રાઈવર સહિત બસમાં બેઠેલાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
બસના ડ્રાઈવર ચંદરભાઈ જાદવએ બસ થોભાવી દીધી હતી અને ઉંચા સ્થાન પર દોડી જઈ મોબાઈલથી ફોન કરી ડેપો ના એ.ટી. આઇ હુસૈનભાઈને કંડકટરને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણ કરી હતી. એટીઆઈ હુસૈનભાઈએ તાત્કાલિક આ અંગે 108 ને ફોન કરવાની સૂચના આપી હતી, જેના પગલે ડ્રાઈવરે 108ને ફોન કર્યો હતો.
સ્થિતિની ગંભીરતા પારખી તાત્કાલિક 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કંડકટરને પ્રાથમિક સારવાર આપી હતી, જેના લીધે કંડકટરનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ કંડકટરને ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાની માહિતી સાંપડી છે.
એસ.ટી.ના સૂત્રોએ કહ્યું કે, ધરમપુર ડેપોની બસ ધરમપુરથી મોટી પલસાન રાત્રિ રોકાણની બસ હતી. જે ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ કપરાડા ના ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે આ ઘટના બની હતી.