SURAT

તહેવારોની સિઝનમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ ઘટાડો

સુરત(Surat) : ચાલુ વર્ષે ખાદ્ય તેલની (Edible Oil) ઊંચી કિંમતો ખૂબ ચર્ચામાં રહી હતી. કપાસિયા અને સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2500થી 3000ની સપાટી વટાવી ચૂક્યા હતા. સીંગતેલની કિંમત તો છેક 3200ના આંકડાને વટાવી ગઈ હતી. ગરીબ અને મધ્યમવર્ગ માટે તેલ ખરીદવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. તહેવારોની સિઝન આવી રહી છે તે પહેલાં તેલ બજારમાંથી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. તેલની તમામ જાતોની કિંમતમાં 200થી 250 રૂપિયા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે.

છેલ્લાં એક-દોઢ મહિનાથ તેલ બજારની સ્થિતિ બદલાઈ છે. તેલના ડબ્બાની કિંમતોમાં ઘટાડો થયો છે. દોઢ મહિના પહેલાં સીંગતેલના ભાવ 3250થી 3300 થયા હતા, તે અત્યારે ઘટીને 3100, 3050 સુધી આવી ગયા છે. સિંગતેલમાં 200થી 250 રૂપિયાનો 15 કિલોએ ભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલમાં પણ એવી જ સ્થિતિ છે. બે મહિના પહેલાં કપાસિયા તે 1900 પ્રતિ 15 કિલોનો ભાવ હતો, જે 200થી 250 ઘટીને 1680થી 1700ના લેવલ પર પહોંચી ગયું છે. સનફલાવર બે મહિના પહેલાં 1850-1900નો પ્રતિ 15 કિલોનો ભાવ અત્યારે 1600-1650નો ભાવ થયો છે. મક્કાઈ તેલનો ભાવ 1850થી ઘટીને 1550 પર પહોંચી ગયો છે. પામોલિન તેલમાં અઢી મહિના પહેલાં સરેરાશ 1650નો ભાવ હતો તે હાલ 1450 થઈ ગયો છે.

તેલ વિક્રેતાઓના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નથી. લોકલમાં પણ ઘરાકી નથી. શોર્ટ ટાઈમમાં નવો પાક આવશે તેથી બજાર અત્યારે તૂટ્યું છે. હજુ પણ ભાવ ઘટાડાની અપેક્ષા છે. તેલ વિક્રેતાઓએ વધુમાં જણાવ્યું કે, દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં એટલે કે આવક પહેલાં ભાવ તૂટતા જ હોય છે, પરંતુ આ વખતે વધુ તૂટ્યા છે. કારણ કે આ વર્ષે ભાવ વધ્યા પણ વધુ હતા.

નવરાત્રિ બાદ નવો પાક આવશે એટલે ભાવ વધુ તૂટે તેવી સંભાવના
તેલના વિક્રેતા રૂપેશ વોરા કહે છે કે, તેલના ભાવ ઘટ્યા તે રાહતની વાત છે. આ વર્ષે ચોમાસું સારું રહેતા મગફળીનો પાક સારો થયો છે. નવરાત્રિ બાદ માર્કેટમાં નવો પાક આવશે. તેથી તેલનો સ્ટોક વધે અને ભાવ વધુ તુટે તેવી શક્યતા છે. સીંગતેલના ભાવમાં હજુ ઘટાડાની અપેક્ષા છે. અન્ય તેલમાં પણ થોડો ઘણો ભાવ તૂટશે.

તેલના હાલના ભાવ (15 કિલોના ડબ્બા અનુસાર)

  • સીંગતેલ 3050-3150
  • કપાસિયા 1680-1750
  • સનફલાવર 1600-1650
  • મકાઈ 1550-1600
  • પામોલિન 1400-1450

આ વર્ષે ભાવ જેમ વધ્યા તેમ તૂટ્યા
ઈન્ટરનેશનલ માર્કેટના લીધે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચની તેલ ભરવાની સિઝનમાં ભાવ વધ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધમાં સનફલાવરની ફેક્ટરીને નુકસાન થયું હતું તેથી પણ ભાવ વધ્યા હતા. પામ મલેશિયાથી આવે છે, ત્યાં શોર્ટેજ ઉભી થઈ હતી. મલેશિયાએ નિકાસ અટકાવી હતી, તેથી ભાવ વધ્યા હતા. હવે બધી સ્થિતિ કાબુમાં હોવાથી ભાવ અંકુશમાં આવ્યા છે. આ વર્ષે ચોમાસું સારું રહ્યું હોય નવી સિઝનમાં ભાવ ઘટાડા સાથે ખુલે તેવી શક્યતાછે.

Most Popular

To Top