સુરત: શહેરના સણિયા હેમાદ ખાતે સ્થાનિકોની ફરિયાદને પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા લઘુ ઉદ્યોગોને નોટિસ ફટકારવાની સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે સ્થાનિક વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના માલિકો – કારીગરો સહિત આસપાસના નાગરિકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. લઘુ ઉદ્યોગના સંચાલકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવાની સાથે મનપા દ્વારા લગાવવામાં આવેલ સીલ ખોલવા અને નોટિસ પરત ખેંચવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી.
શહેરના છેવાડે આવેલા સણિયા હેમાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ નામોથી લઘુ ઉદ્યોગોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે, આ લઘુ ઉદ્યોગ વિરૂદ્ધ કેટલાક સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં સુરત મહાનગર પાલિકા દ્વારા શરૂઆતમાં લઘુ ઉદ્યોગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ સિલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મનપાની આ પ્રકારની કાર્યવાહીને પગલે આ વિસ્તારમાં સરકારી પરવાનગી સાથે લઘુ ઉદ્યોગ ચલાવનારા વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેને પગલે આજે આ વિસ્તારમાં ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, એથીક એમ્બ્રો, અર્ચના ઈકો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, કર્મા બીઝનેસ પાર્ક, કર્મ બુમી એમ્બ્રો પાર્ક, શુભમ ઈન્ડસ્ટ્રીઝ, શ્યામ એમ્બ્રો, આશીર્વાદ એમ્બ્રો, મંત્રા એમ્બ્રો સહિત વિવિધ પ્રોજેક્ટમાં ઓનલાઈન ટ્રેડિંગ, સિલાઈ કામ, હેન્ડ વર્ક એમ્બ્રોડયરી મશીનો જેવા લઘુ ઉદ્યોગ ચલાવનારાઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સણિયા ખાતેથી બાઈક અને ટેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં સૂત્રોચ્ચાર સાથે મહાનગર પાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસો પરત ખેંચવાની સાથે સિલીંગ ખોલવા સંદર્ભે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.
રેલીમાં જોડાયેલા લઘુ ઉદ્યોગોના સંચાલકો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દ્વારા તમામ સરકારી નીતિ- નિયમોનું પાલન કરવાની સાથે સાથે પ્લાન પાસ સહિતની સરકારી મંજુરીઓ પણ મેળવવામાં આવી છે. તેમ છતાં કેટલાક સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતાં વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતાં સેંકડો મજુરો – શ્રમિકોની રોજી રોટી અંગે પ્રશ્નાર્થ સર્જાવા પામ્યો છે.