ખેડા: ખેડા બસ ડેપોથી સુરત જવા માટે એક બસ €શુક્રવાર વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં ઉપડી હતી. આ બસ રધવાણજ ટોલટેક્સ પહોંચી હતી. જ્યાં ફાસ્ટ્રેક્ટનું સ્ટીકર સ્કેન ન થતા બસ પરત ખેડા મથકે પહોંચી હતી અને ત્યાંથી બીજી બસને મોકલવામાં આવી હતી. જેથી મુસાફરોને સમયના વેડફાટ સાથે સમસ્યાઓ ભોગવવાનો વખત આવ્યો હતો.
મળતી વિગતો મુજબ ખેડા તાલુકા મથકે આવેલા બસ ડેપોમાંથી એક બસ સવારે 06:45 કલાકે સુરત જવા માટે ઉપડી હતી. આ વખતે ખેડા પસાર કરી અને નેશનલ હાઈવે ઉપર આવેલા રધવાણજ ટોલટેક્સ પાસે પહોંચી હતી. જ્યાં કોઈક કારણોસર ટોલબુથ પર ફાસ્ટટ્રેકની લાઈનમાં બસ પહોંચી હતી, અને ત્યાં સ્કેનરમાં ફાસ્ટટેગનો કોડ સ્કેન થયો ન હતો.
જેના કારણે 55 કરતા વધુ મુસાફરો ભરેલી બસ રધવાણજ ટોલટેક્સથી ખેડા બસ ડેપોમાં પરત ફરી ગઈ હતી. બસ ખેડા પરત આવતા બસમાં બેઠેલા પેસેન્જર હેરાન પરેશાન થયા હતા. આ બાબતે તપાસ કરતા બસમાં લગાવેલ ફાસ્ટટ્રેકનું સ્ટીકર સ્કેન ન થતા બસને પરત આવવાની ફરજ પડી હોવાનું માલુમ પડ્યુ હતુ. આ સમગ્ર મામલે કયા કારણે બસ પરત ફરી તેનું ચોક્કસ તારણ મેળવી શકાયુ નથી. કારણ કે, ટોલટેક્સના મેનેજર અને ખેડા બસ ડેપોના મેનેજરની વાતો બિલકુલ ભિન્ન છે. કયા કારણોસર આ થયુ તે બાબતે બંને વિભાગો એકબીજાને ખો આપી રહ્યા છે. પરંતુ તેમની આ ખો-ખો વચ્ચે મુસાફરોને હેરાન થવુ પડ્યુ છે, તે વાસ્તવિકતા છે.
લ્યો બોલો, સવારની ઘટનાની ડેપો મેનેજરને બપોરે ખબર પડી
નવાઈની વાત તો એ છે કે, સવારે 6:45 વાગે ઉપડેલી બસને આ પ્રોબ્લમ થયો છે અને તે વાતની જાણ ખેડા ડેપો મેનેજરને બપોરે દોઢ કલાકે મીડિયાના માધ્યમથી ખબર પડી છે. સવારે ઉપડેલી બસ ટોલટેક્ષથી પરત ખેડા ડેપોમાં આવે છે અને બીજી બસ લઈને ફરી સુરત રવાના થાય છે તો આ બાબતે ડ્રાઈવર-કંડક્ટર ડેપો મેનેજરને કેમ જાણ ન કરી તે પ્રશ્ન પણ ઉભો થયો છે.
અમારી સિસ્ટમમાં પ્રોબ્લમ હોય તો ટ્રાફિક થઈ જાયઃ ટોલટેક્ષ મેનેજર
આ બાબતે રધવાણજ ટોલટેક્ષના મેનેજર હિમાંશુ શાહે જણાવ્યું હતું કે, અમારી સિસ્ટમમાં કોઈ પ્રોબ્લમ ન હતો અને જો એવુ થયું હોત તો અહીંયા ટ્રાફિકની સમસ્યા થઈ જાય. ટોલટેક્ષ પાસે આવો કોઈ પ્રોબ્લમ થાય તો તેમાં ખાસ કરીને બે વસ્તુ બની શકે. ફાસ્ટટ્રેકનું સ્ટીકર ડેમેજ થયું હોય અને સ્કેન ન થાય ત્યારે અને બીજુ જ્યારે બેલેન્સ ન હોય ત્યારે આવા પ્રોબ્લમ થાય છે.
ફાસ્ટ્રેકમાં બેલેન્સ હતુ
આ તરફ રધવાણજ ટોલટેક્સના મેનેજરે આ ઘટના પાછળ જે કારણ દર્શાવ્યુ તેમાં ફાસ્ટ્રેકમાં બેલેન્સ ન હોય તો આવી ઘટના બને, તેમ કહ્યું હતુ, તો આ તરફ ડેપો મેનેજરે કોમ્પ્યુટરમાં બતાવ્યા પ્રમાણે ફાસ્ટ્રેકમાં 96,961 કુલ બેલેન્સ હતું. જેથી બેલેન્સના કારણે આ પ્રશ્ન સર્જાયો હોવાની શક્યતાઓ ઓછી છે.
અમે ડ્રાઈવર, કંડક્ટરનો જવાબ લઈશુઃ ડેપો મેનેજર
આ બાબતે ખેડા ડેપો મેનેજર એમ. એમ. પરમારે જણાવ્યુ હતુ કે મને મીડિયાના માધ્યમથી ખબર પડી કે આવી મુશ્કેલી થઈ છે. અમારા ખેડા ડેપોની કુલ 70 જેટલી બસો રધવાણજ ટોલપ્લાઝા પરથી પસાર થાય છે, માટે બેલેન્સ તો હતું. પરંતુ કયા કારણોસર આ ઘટના બની તેની તપાસ કરીશું ? અને ખેડા – સુરત રૂટની એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર પાસે આ બાબતે તેમનો જવાબ લઈને અમારા નડિયાદ ડિવિઝનને પણ જાણ કરીશું.