Comments

બિહારની જાતિગણના : રાજકારણ નવી દિશામાં

બિહારમાં જાતિગણના થઇ એના આંકડા જાહેર કરાયા બાદ દેશના રાજકારણમાં એક નવી લડાઈ શરૂ થઈ છે. દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા જાતિગણના થઇ અને એના આંકડા જાહેર કરાયા છે. નીતીશકુમાર અને લાલુ યાદવની જોડીએ રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે એમ પણ કહી શકાય. અલબત્ત જાતિગણના મુદે્ દેશના પક્ષો બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને અત્યાર સુધી જાતિ જ્ઞાતિનું રાજકારણ રમાતું આવ્યું છે એ વધુ તીવ્ર બનવાની પૂરી શક્યતા છે એવી ટીકા પણ ખોટી નથી.

દેશમાં જાતિગણના કરવી જોઈએ કે નહીં એ મુદે્ વર્ષોથી વિવાદ થતો આવ્યો છે. જવાહરલાલ નહેરુએ એનો વિરોધ કરેલો અને મનમોહનસિંહે ૨૦૧૧માં જાતિ ગણના કરાવી હતી પણ એના આંકડા જાહેર કર્યા નહોતા અને મોદી સરકારે પણ એના શાસનમાં એ આંક્ડા જાહેર કર્યા નથી. બિહારમાં નીતીશ સરકારે જાતિગણના કરાવી એ મુદે્ પણ કાનૂની લડત થઇ હતી પણ બિહારની હાઈકોર્ટે લીલી ઝંડી આપી. તામિલનાડુ અને કર્નાટક દ્વારા પણ ૨૦૧૧માં જાતિગણના થઇ હતી, પણ એના ય આંકડા જાહેર ના થયા.

પણ નીતીશ સરકારે આ આંકડા જાહેર કર્યા છે અને બિહારમાં જાતિગણના માટે બધા પક્ષો સહમત થયા હતા અને એમાં ભાજપ પણ સામેલ હતો. નીતીશ – લાલુની આ મુદે્ મનસા શું છે એ હવે સમજાઈ રહ્યું છે. બિહાર સરકાર દ્વારા આંકડા વિધાનસભાના ફ્લોર પર ના મુકાયા અને સરકારના એક ઉચ્ચ અધિકારીએ પ્રેસને બોલાવી આંકડા જાહેર કરી દીધા અને એ આંકડામાં ગરબડ છે એવા આક્ષેપો થવા લાગ્યા છે. કુર્મી જાતિનાં લોકો ભુમીહારથી વધુ છે એ વાત બિહારનાં લોકોને ગળે ઊતરે એમ નથી. ઉપરાંત મુસ્લિમોમાં એમણે ત્રણ ઉપજાતિ બતાવી છે પણ યાદવોમાં એવું કર્યું નથી. બીજું કે, આર્થિક અને સામાજિક રીતે જ્ઞાતિઓ કેટલી ઉપર આવી એ સર્વેક્ષણ હજુ બાકી છે તો શા માટે જાતિગણનાના આંકડા જાહેર કરાયા? અને એ આંકડા આવતાં હજુ બીજા બે અઢી માસ લાગે એમ કહેવામાં આવે છે. પણ લાગે છે કે, નીતીશ અને લાલુ આ મુદો્ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સુધી જાગતો રાખવા માગે છે.

ભાજપ માટે આ મુદો્ અસરકર્તા છે અને ભાજપે બેકફૂટ પર આવી જ્વાબો આપવા પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહને ટાંકી દલીલ કરી છે કે, હવે કોંગ્રેસ સંખ્યાના આધાર અનામત માગે છે પણ મનમોહનજી એવું વિચારતા નહોતા. આ મુદે્ બસપાની રચના કરનારા  કાંશીરામને યાદ કરવા પડે. આ લડાઈ ઓબીસીના રાજકારણની બની છે. કારણ કે છેલ્લાં થોડાં વર્ષોથી ભાજપને ઓબીસીના મત વધુ મળી રહ્યા છે. ૨૦૦૯માં ભાજપને ઓબીસીના મત ૨૨ ટકા મળેલા એ ૨૦૧૯માં વધી ૪૪ ટકા થઇ ગયા છે અને એ પણ યાદ રહે કે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમણે રાજકારણમાં પટેલોનું વર્ચસ્ તોડવા માટે ઓબીસીનું રાજકારણ શરૂ કર્યું હતું. પોતે પણ ઓબીસી સમાજમાંથી આવે છે અને હવે ભાજપ જવાબ આપી રહ્યો છે કે, એમના ૩૦૩ એમપીમાંથી ૮૫ ઓબીસીમાંથી આવે છે અને ૧૩૫૮ ધારાસભ્યોમાં ૨૭ ટકા ઓબીસી છે.

બિહારમાં સૌથી  વધુ વસ્તી ઓબીસીની છે અને એમાં એસટીએસટીના આંકડા ઉમેરો તો આંકડાઓ ૭૦ ટકા સુધી થાય છે. જો કે, ભાજપ પાસે એક રસ્તો જરૂર છે. અત્યારે ઓબીસી માટે ૨૭ ટકા અનામત છે અને મોદી સરકારે આ મુદે્ રોહિણી કમિશન બનાવેલું એની ભલામણો અમલી બનાવી ભાજપ વિપક્ષને માત આપી શકે છે. જો કે , વિપક્ષમાં મમતા બેનર્જી જ્ઞાતિ ગણતરીમાં સહમત નથી કારણ કે, બંગાળમાં એમને મુસ્લિમોના મત સૌથી વધુ મળે છે. બીજું કે વર્ષાન્તે ચાર રાજ્યોમાં ચૂંટણી થવાની છે ભારતમાં જાતિવાદનું ઝેર તો ફેલાયેલું જ છે એમાં જાતિગણના કેવો અને કેટલો ભાગ ભજવે છે એ કહેવું કઠીન છે.

હવે કેજરીવાલ પકડાશે?
દિલ્હીની આપ સરકાર દ્વારા શરાબ નીતિના મુદે્ એમના પર હલ્લા વધતા જાય છે. એક પછી એક નેતા પકડાઈ રહ્યા છે. મનિષ સિસોદિયા બાદ હવે સંજયસિંહની ધરપકડ થઇ છે. શરાબ નીતિમાં આપ સરકાર દોષી છે કે કેમ? એ મુદે્ બંને પક્ષે  પોતપોતાની વાત મુકાય છે. પણ આ મુદે્ હવે કોઈ ઠોસ ચુકાદો આવવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક સવાલો કરાયા છે એ મહત્ત્વના છે. કોર્ટે સવાલ કર્યા છે કે, જો આ નીતિ આપ સરકારે બનાવી અને એનાથી આપણે ફાયદો થયો , આર્થિક વ્યવહારો થયા તો શા માટે આપ સામે ગુનો દાખલ કરાયો નથી. કેટલાક વેપારીઓનાં નામ બહાર આવ્યાં અને હવે કેટલાક સરકાર પક્ષે સાક્ષી બની ગયા છે એટલે સિસોદિયાનું નામ આવ્યું છે. આપ સરકાર દોષી હોય તો એના નેતાઓને કડક સજા થવી જોઈએ પણ એક વર્ષથી  વધુ સમય થયો પણ હજુ કોઈ ઠોસ સબુત રજૂ થયા નથી અને એટલે જ આપ દ્વારા આક્ષેપો થાય છે કે આ પગલાં રાજકીય છે. સંજય સિંહ બાદ અરવિંદ કેજરીવાલ સામે કોઈ પગલાં લેવાશે? એમના સરકારી બંગલાના રીનોવેશન કેસ તો ઊભો જ છે અને એ સીબીઆઈને સોંપાયો છે. આવતા દિવસોમાં કોઈ નવાજુની થવાની સંભાવના વિપુલ છે.

સરકારી હોસ્પિટલમાં મૃત્યુ
મહારાષ્ટ્રમાં નાંદેડ અને નાગપુરની સરકારી હોસ્પિટલમાં ૨૪ કલાકમાં અનુક્રમે ૩૦ અને ૨૫ દર્દીઓનાં મોત થયાં અને કારણ એવું છે કે, દવાની અછત હતી. મહારાષ્ટ્ર હોય કે કોઈ પણ રાજ્યની સરકારી હોસ્પિટલ , બધે સમસ્યાઓ હોય છે. કાં તો દવા પૂરતી નથી હોતી , કાં ડોકટરો નથી હોતા અથવા તો સાધનોની કમી હોય છે અને એમાં શિવસેનાના એમપી હેમંત પાટીલ દ્વારા હોસ્પિટલ જઈ હોસ્પિટલનાં ડીન પાસે ટોઇલેટ સાફ કરાવવાની ઘટના પણ ટીકાસ્પદ થાય એ સ્વાભાવિક છે. આવી ઘટનાઓ ફરી વાર ના બને એ માટે હોસ્પિટલમાં સાધનો , દવા અને સ્ટાફની કમી ના રહે એવી વ્યવસ્થા બનવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top