સુરત: સુરતના કડોદરામાં ચોંકાવનારી ઘટના બની છે. નાનકડા બાળકોને એકલા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. અહીં માતા ઘરકામ કરતી હતી ત્યારે 7 મહિનાની માસૂમ બાળકી ભૂલથી ખોરાક સમજી ગરોળી ચાવી ગઈ છે. બાળકીને ગરોળી ચાવતા જોઈને માતા ગભરાઈ ગઈ હતી. તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઘટના કડોદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીની છે. એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અભિષેક સિંહ અહીં પત્ની અને દીકરી સાથે રહે છે. ગઈકાલે ગુરુવારે સાંજે તેમની પત્ની ઘરકામ કરતી હતી ત્યારે 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી, ત્યારે દીકરીની નજીકથી એક ગરોળી પસાર થઈ રહી હતી. બાળકીએ રમત રમતમાં ગરોળીને પકડી લીધી હતી અને ખોરકા સમજી પોતાના મોંઢામાં મુકી દઈ તેને ચાવવા લાગી હતી.
માતા ઘરકામમાં બિઝી હોવાથી તેને આ વાતની જાણ થઈ નહોતી. તે જ્યારે બાળકી પાસે પહોંચી ત્યારે તેના હાથમાં ચાવી નંખાયેલી ગરોળી જોઈને તે ડરી ગઈ હતી. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાનમાં લઈ જવાઈ હતી. જોકે, ગરોળી જેવી ઝેરી જનાવર બાળકીએ ચાવી લીધું હોય તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સિવિલમાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે, તેની તબિયત સ્થિર છે.
નાના બાળકોને એકલા મુકી પરિવારના સભ્યો અન્ય કામમાં વ્યસ્ત થઈ જવાના લીધે અનેકોવાર અનિચ્છનીય અને અપ્રિય ઘટના બનતી હોવાના કિસ્સા સાંભળવા મળતા હોય છે. બાળકોના પડી જવાના, તેઓને વાગવાના કે કોઈ જીવજંતુ દ્વારા કરડી જવાના બનાવ બનતા હોય છે. તેથી બાળકો પર નજર રહે તે રીતે ઘરમાં રાખવા જોઈએ.