નવી દિલ્હી: (New Delhi) World Cup 2023 અંગે વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ (Greenstone Lobo) આગાહી (Prediction) કરી છે કે વર્ષ 1987માં જન્મેલા કેપ્ટન વાળી ટીમ ભારત દ્વારા યોજાઈ રહેલ મેન્સ ODI વર્લ્ડ કપ જીતશે. લોબો જેમણે 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ આગાહી કરી હતી તેણે આ ભવિષ્યવાણી કરી છે. તેમનો તર્ક છે કે 1986માં જન્મેલા ખેલાડીઓ/કેપ્ટન બાદ હવે તેમની જગ્યાએ 1987માં જન્મેલા ખેલાડીઓ વિજેતા બની રહ્યા છે.
ક્રિકેટ વર્લ્ડ કપ સિવાય જોકોવિચ અને લિયોનેલ મેસી માટે પણ સાચી આગાહી કરવામાં આવી હતી
આ પહેલા લોબોએ જોકોવિચ અને મેસી માટે પણ સચોટ આગાહી કરી હતી. લોબોએ જણાવ્યું કે રાફેલ નડાલને પછાડનાર ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચનો જન્મ 1987માં થયો હતો જ્યારે નડાલનો જન્મ 1986માં થયો હતો. જ્યારે 1986માં જન્મેલા હ્યુગો લોરિસ કેપ્ટન હતા ત્યારે 2018 FIFA વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. તાજેતરમાં 2022 ફૂટબોલ વર્લ્ડ કપ લિયોનેલ મેસીના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાએ જીત્યો હતો. મેસીનો જન્મ 1987માં થયો હતો.
શાકિબ અલ હસન અને રોહિત શર્માનો જન્મ 1987માં
વર્તમાન વર્લ્ડ કપ વિશે વાત કરતા લોબોએ કહ્યું કે જ્યારે ઈંગ્લેન્ડે 2019માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઈયોન મોર્ગન 1986માં જન્મેલા કેપ્ટન હતા. ત્યારબાદ તેમણે ભવિષ્યવાણી કરી કે હવે વર્ષ 1987માં જન્મેલ કેપ્ટન 2023નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે. તેમણે કહ્યું કે શાકિબ અલ હસનનો જન્મ 1987માં થયો હતો પરંતુ બાંગ્લાદેશ એટલી મજબૂત ટીમ નથી. તો 1987માં જન્મેલા એકમાત્ર કેપ્ટન આપણા ભારતના રોહિત શર્મા છે. તે વર્લ્ડ કપ જીતશે તેવો લોબોએ દાવો કર્યો હતો. શાકિબનો જન્મ 24 માર્ચ 1987ના રોજ થયો હતો જ્યારે ભારતીય કેપ્ટન રોહિતનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ થયો હતો.
બીજી તરફ ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનું માનવું છે કે કેપ્ટન રોહિતે ક્રિઝ પર સમય પસાર કરવો જોઈએ અને વર્લ્ડ કપમાં મોટી સદીની શોધ કરવી જોઈએ. તેમણે કહ્યું કે રોહિત શર્મા ખતરનાક બેટ્સમેન છે. જો તે 35 ઓવર સુધી મેદાન પર રહે તો ભારતનો સ્કોર 350 ની આસપાસ રહેવાની ખાતરી છે. તેમણે કહ્યું કે રોહિત સૌથી સફળ ODI બેટ્સમેનોમાંનો એક છે. તેણે 251 મેચોમાં 30 સદી અને 52 અર્ધસદીની મદદથી 48.85ની સરેરાશથી 10112 રન બનાવ્યા છે.