ખંભાત : ખંભાત શહેરના ચકડોળ ગ્રાઉન્ડમાં દિવાળી પર્વ દરમિયાન ખૂબ જ મોટો પરંપરાગત લોકમેળો યોજાય છે. જેમાં ખંભાત શહેર તાલુકા સહિત દૂર દૂરથી મેળા રસીયાઓ ઉમટે છે. લોકમેળા માટે નિશ્ચિત ચકડોળ ગ્રાઉન્ડમાં વિવિધ માપની જગ્યાઓ ભાડેથી આપવા માટે ખંભાત નગરપાલિકાના સભાખંડમાં હરાજી યોજવામાં આવી હતી. પાલિકા ખાતે યોજાયેલી જાહેર હરાજીમાં ચકડોળ ગ્રાઉન્ડના ઉપરના ભાગ માટે 21 વ્યક્તિઓએ અને નીચે પાથરણાના ભાગ માટે 9 વ્યક્તિઓએ ડિપોઝિટની રકમ ભરી દીધી હતી.
બન્ને ભાગની જગ્યા પેટે પાલિકાને દિવાળી અગાઉ જ ખુબ જ મોટી આર્થિક સધ્ધરતા આપતી આવક થવા પામી છે. ચકડોળ ગ્રાઉન્ડમાં ઉપરના ભાગમાં વિવિધ જગ્યાઓ માટે હરાજીમાં 64 લાખની માતબર રકમ જમા થઈ છે તો ગ્રાઉન્ડના નીચેના ભાગનાં પાથરણા માટે GST સાથે 14.40 લાખ રૂપિયામાં હરાજી થઈ છે.આ વર્ષે ખંભાત નગરપાલિકાને 78 લાખ 80 હજાર રૂપિયા જેટલી રકમની આવક થશે. ખંભાત શહેરમાં દિવાળી પર્વના દિવસોમાં સતત 20 દિવસ સુધી ભાતીગળ લોકમેળો યોજાય છે. લોકમેળાના સ્થાન ચકડોળ ગ્રાઉન્ડ માટે ખંભાત નગરપાલિકા ખાતે હરાજી રાખવામાં આવી હતી. જેમાં 78 લાખની માતબર આવક થઇ છે.
મોટા ચકડોળના ફક્ત 50 રૂપિયા અને નાના ચકડોળના 30 રૂપિયા ભાવ નક્કી
ગત વર્ષે નગરપાલિકા દ્વારા 45 લાખમાં ગ્રાઉન્ડની હરાજી થઈ હતી.તે સમયે મોટા ચકડોળનો ભાવ 80 રૂ.અને નાના ચકડોળનો ભાવ 50 રાખવામાં આવ્યો હતો.જેને કારણે ગરીબ મધ્યમ વર્ગના માણસોને તકલીફ પડી હતી.આ ધ્યાનમાં લઇને નગરપાલિકાએ કડક નિયમ અનુસરવા બંધારણ બહાર પાડ્યું છે.આ વર્ષે ચકડોળ ગ્રાઉન્ડની હરાજી 18% GST સાથે 64.40 લાખમાં થઈ છે. જેની સાથે નગરપાલિકાએ મોટા ચકડોળના ફક્ત 50 રૂપિયા અને નાના ચકડોળના 30 રૂપિયા ભાવ નક્કી કર્યા છે.