SURAT

ગરબા રમીને થાકેલો સુરતનો યુવક ખુરશી પર બેઠાં બાદ ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત થયું

સુરત: નાની ઉંમરમાં હાર્ટ એટેકથી (Heart Attack) મોતના (Death) બનાવ ચિંતાજનક હદે વધ્યા છે. આવો જ એક આઘાતજનક બનાવ સુરત (Surat) શહેરના પાલ વિસ્તારમાં બન્યો છે. અહીંના કોમ્યુનિટી હોલમાં ગરબા (Garba) રમતા રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.

પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમતા રમતા જમીન પર ઢળી પડેલા યુવકનું હાર્ટ એટેકથી મોત થયાની ચોંકાવનારી ઘટના બની છે. મૃતક રાજ મોદી પરિવારનો એકનો એક દીકરો હતો. તે ડિસેમ્બર મહિનામાં મિકેનિકલમાં માસ્ટર કરવા લંડન જવાનો હોવાનું બહાર આવ્યું છે. ગરબાની પ્રેક્ટિસ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાંના બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડતા હોલમાં ભાગદોડ મચી ગઇ હતી. રાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબીએ મૃત જાહેર કર્યો હતો.

પરિવારે જણાવ્યું હતું કે ઘટના બુધવારની મોડી સાંજની હતી. રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો. થોડીવાર બાદ તેના મિત્રોનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે રાજ જમીન પર ઢળી પડતા તેને હોસ્પિટલ લઈ જવાયો છે. દોડીને હોસ્પિટલ જતા સીધો તેનો મૃતદેહ જ મળ્યો હતો. છેલ્લી વાર વાત પણ ન કરી. આખું પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું. ખબર નહિ કુદરતને કેમ આવો આઘાત આપવાની સમજ પડી હશે, જવાન જોધ પુત્ર ને ભીની આંખે વિદાય આપવા સિવાય પરિવાર પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

વધુમાં જણાવ્યું હતું કે રાજ ધર્મેન્દ્ર મોદી (ઉ.વ. 26) પાલનપુર ગામ રાજહંસ એપલમાં પરિવાર સાથે રહેતો હતો. એકનો એક દીકરો હતો. કુંવારો હતો. કાર શો રૂમના સર્વિસ સ્ટેશનમાં સુપર વાઇઝરની નોકરી કરતો હતો. ડિસેમબરમાં મિકેનિકલમાં માસ્ટર્સ કરવા માટે લંડન જવાનો હતો. બસ આ નોરતા રમી લઉં પછી ખબર નહીં લંડનમાં નોરતા રમવાના મળશે કે કેમ એવું કહી ને ગરબા કલાસમાં જતો હતો. માતા-પિતા પણ તેની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ ન હતો. તેણે કોવિડ વેકસિન લીધી હતી.

આરતી પરમાર (પોસ્ટ મોર્ટમ કરનાર મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે રાજ શકાસ્પદ મૃત્યુ કેસમાં પોસ્ટ મોર્ટમ બાદ હૃદય રોગના હુમલાની સંભાવના વધુ દેખાઈ રહી છે. તેમ છતાં HP ના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સચોટ કારણ કહી શકાશે.

Most Popular

To Top