SURAT

કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઘુસીને કૂતરું બાળકીને કરડ્યું

સુરત(Surat): શહેરમાં રખડતા કૂતરાઓનો (StrayDog) આતંક ફરી વધી ગયો છે. બે દિવસ પહેલા પરવત ગામમાં શ્વાને બે વર્ષના બાળકને બાચકાં ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હવે ગત સાંજે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જ બે વર્ષની બાળકી ઉપર કુતરાએ હુમલો (DogBite) કર્યાની ઘટના સામે આવી છે. કૂતરાંએ બાળકીના માથા અને એક હાથમાં બચકા ભરતા પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. લોહી લુહાણ હાલતમાં બાળકીને 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રાજકિશોર ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ નાના વરાછા ચીકુવાડીમાં રહે છે. મંગળવારની સાંજે તેઓ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં માટે ગયા હતા. ત્યારે તેમની 2 વર્ષની પુત્રી સૃષ્ટિ ઉપર કુતરાએ હુમલો કર્યો હતો. શ્વાને માથા અને ડાબા હાથમાં બચકાં ભરી હાથમાં નખ પણ માર્યા હતા. ત્યારબાદ શ્વાને બાળકીને જમીન પર પછાડી દીધી હતી જેને કારણે તેને પીઠમાં ઈજા થઈ હતી. બુમાબુમ થઈ જતા લોકો અને પોલીસ કર્મીઓ પણ દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલેન્સમાં બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બાળકી ફિમેલ સર્જીકલ વોર્ડ-1 માં સારવાર હેઠળ છે. બાળકીને માથામાં ઈજા થવાની સાથે ઘા પણ હતો જેથી તેણીને બે ટાંકા લેવામાં આવ્યા હતા. હાલમાં બાળકી સારવાર હેઠળ છે.

રાજકિશોર ગુપ્તાએ જણાવ્યું હતું કે તેઓ પરિવારમાં પત્ની રાગિની અને બે પુત્રી નિક્કી (ઉં.વ.4) અને સૃષ્ટિ (ઉં.વ.2) સાથે રહે છે. પોતે મોસંબીના જ્યુસ બનાવવાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે ભત્રીજા સાથે ઝગડો અને મારામારી થઇ હતી જેથી તેની વિરુદ્ધમાં કેસ કરવા માટે સાંજે 7 વાગ્યે કાપોદ્રા પોલીસ સ્ટેશને ગયો હતો. પત્ની અને બન્ને પુત્રીઓ પણ સાથે જ હતા. ત્યારે બંને પુત્રી રમી રહી હતી ત્યારે જ કૂતરાંએ નાની પુત્રી સૃષ્ટિ ઉપર હુમલો કર્યો હતો અને તેને બચકાં ભર્યા હતા. ઘટનાને પગલે પોલીસ કર્મીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ શ્વાનનો મારી દીકરી ને બચાવી હતી.

કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી. સુરા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કાકા-ભત્રીજા વચ્ચે લારી મુકવા બાબતે ઝગડો થયો હતો. ત્યારે બન્ને પરિવારો પોલીસ મથકે આવ્યા હતા ત્યારે બાળકી પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં રમી હતી. ત્યારે કુતરો કરડી ગયું હતું. પોલીસે જ 108 એમ્બ્યુલેન્સ ને બોલાવી હતી અને બાળકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

Most Popular

To Top