સુરત: સુરત સિવિલ(New Civil Hospital)ની બહાર આજે હોબાળો થયો હતો. મૃત બાળકના પરિવારને મૃતદેહ(Deadbody) લઇ જવા ‘તમારું વાહન બોલાવીલો’ એમ હોસ્પિટલ(Hospital)ના સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું. ગેરસમજ(Misunderstanding)ના કારણે નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને સિવિલના બીજા દર્દીઓ અને પરિવારોને અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો.
સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર મૃતદેહ લઈ જવા માટે, ‘તમારૂ વાહન બોલાવીલો’ કહેતા મૃતક બાળકના પરિવારજનો ઓટો રીક્ષા લઈ આવતા ભારે હોબાળો થયો હતો એટલું જ નહીં પણ પરિવારની ગેરસમજને લઈ પરિવારે આક્રોશ વ્યક્ત કરતા વાતનું વતેસર થયું હતું. જોકે આખરે કેટલાક સામાજિક લોકોની મધ્યસ્થી બાદ તંત્રએ મૃતદેહ ઘર સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરી આપતા મામલો થાળે પડ્યો હતો. મોન્ટી (મૂર્તક બાળકના કાકા) એ જણાવ્યું હતું કે ગેર સમજ થઈ ગઈ, પોસ્ટ મોર્ટમ રૂમના કર્મચારીએ મૃતદેહ લઈ જવા માટે વાહન બોલાવીલો કહેતા તેઓ ઓટો રીક્ષા લઈ આવ્યા હતા. બાળકના મૃતદેહને ઓટો રિક્ષામાં મુકતાજ કર્મચારીઓએ અટકાવ્યા હતાં વિવાદ થતા હોબાળો થઈ ગયો હતો. ગેરસમજણના કારણે પરિવાર ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અપાતા મામલો થાળે પડ્યો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દિપક ચિંતામણી પ્રજાપતિ (ઉ.વ.3) ગણેશ નગર પાંડેસરાનો રહેવાસી હતો. 28મી ના રોજ ન્હાવા જતી વખતે ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લવાયો હતો. જ્યાં લાંબી સારવાર બાદ માસુમ દિપકનું મોત નીપજ્યું હતું. સોમવારની મોડી રાત્રે એકના એક દીકરાના મોતના સામાચાર બાદ પરિવાર આઘાતમાં હતું. પ્રજાપતિ પરિવારને એક દીકરો અને એક દીકરી છે. પરિવાર મૂળ યુપીનું રહેવાસી છે અને મિલમાં મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવે છે.
સૂત્રો એ જણાવ્યું હતું કે, ખૂબ ઓછા કિસ્સાઓમાં આવી ગેરસમજ થાય છે. મોટાભાગે વાહન બોલાવી લો એટલે શબવાહીની બોલાવીલો એમ કહેવામાં આવે છે. જોકે આ પરિવારની ગેરસમજના કારણે હોબાળો થયો હતો જે મીડિયાએ પકડી લીધો હતો. આમાં પોસ્ટ મોર્ટમ રૂમમાં કામ કરતા કર્મચારીઓની કોઈ ભૂલ હોય એમ કહેવું સારી વાત ન કહેવાય.