સમગ્ર દેશ દુનિયાભરનાં ગુજરાતમાં અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો એ રાજ્યનો નાક અને નકશો રહેલો છે! ખેર, અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દૂર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે.પણ, એ બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહીં મોટા મેળા યોજાય છે. જેમાં ‘ભાદરવી પૂનમનો મેળો’ ખૂબ મહત્ત્વપૂર્ણ અને મોટો મેળો છે.ભાદરવી પૂનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે.
આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતાં હોય છે. ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચૂંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવાય છે. માતાજીને ચૂંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી-પીણીના સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઊભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહિલાઓ છૂંદણા છૂંદાવવાની અને બંગડીઓની શોખીન છે.
વિવિધ પ્રકારનાં રમકડાંની દુકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવાકેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.લોકના સ્વાસ્થ્ય માટે અહીં હોસ્પીટલની પણ સુવિધા મળી રહે છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.