Editorial

તુર્કી અને પાકિસ્તાનની ઘટના દર્શાવે છે કે આતંકવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવુ પડશે

પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ પાસે ઈદના જુલૂસ નિમિત્તે ભેગા થયેલા લોકો વચ્ચે વિસ્ફોટ કર્યો હતો. અન્ય એક હુમલો ખૈબર પખ્તૂનખ્વાના હંગુ શહેરમાં એક  મસ્જિદમાં થયો હતો. કુલ મળીને 70 લોકો તેમાં મોતને ભેટયા હતા. હજી સુધી આ હુમલામાં કયા સંગઠનનો હાથ હતો તે શોધવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને રાબેતા મુજબ ભારત પર આ વિસ્ફોટો બદલ દોષનો ટોપલો ઢોળી દીધો છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રીએ ભારતની જાસૂસી સંસ્થા રોને આ વિસ્ફોટો માટે જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો હતો કે, ભારતની જાસૂસી સંસ્થા રોનો વિસ્ફોટોમાં હાથ છે. પાકિસ્તાનની તમામ એજન્સીઓ આ વિસ્ફોટોમાં સામેલ તત્વો સામે સંયુક્ત રીતે લડાઈ લડશે. દરમિયાન પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી કોઈ પણ જૂથે આ વિસ્ફોટો બદલ જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં અવાર નવાર હુમલા કરતા સંગઠન તહેરિક એ તાલિબાન પાકિસ્તાને પણ આ હુમલામાં પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કરી દીધો છે. પોલીસે હાલમાં તો અજાણ્યા હુમલાખોર સામે હત્યા અને આતંકવાદના આરોપ મુકીને પોલીસ ફરિયાદ નોંધી છે

જો કે આ ઘટનાની શાહી સુકાઇ તે પહેલાં જ તુર્કી ની રાજધાની અંકારામાં સંસદની પાસે થયેલા વિસ્ફોટ બાદ તુર્કીની સરકાર હચમચી ગઈ છે. આ દરમિયાન ફાયરિંગ થયુ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. ઘટનામાં થયેલા નુકસાનનો અંદાજો હજી મળ્યો નથી પણ આ દરમિયાન બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ભીષણ વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ છે. રાજધાની અંકારામાં રેડ એલર્ટ જાહેર કરાયો છે. તુર્કીની સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જોકે તેમાં કોઈના મોત થયા છે કે નહીં તેની જાણકારી મળી નથી. તુર્કીના ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ કહ્યુ હતુ કે, રવિવારે સંસદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓ પોતાને પણ ઉડાવી દીધો હતો. અન્ય એક હુમલાખોરને પોલીસે ઢાળી દીધો હતો પણ આ દરમિયાન બે પોલીસ અધિકારીને ઈજા પણ થઈ છે.

તુર્કીમાં રવિવારથી સંસદની કાર્યવાહી ફરી શરુ થવાની હતી અને તેના ગણતરીના કલાકો પહેલા જ આ વિસ્ફોટ થયો છે. હુમલાખોરો એક વાહનમાં આવ્યા હતા. તેમણે ગૃહ મંત્રાલયની ઈમારતને ટાર્ગેટ બનાવી હતી. આ જ ઈમારત પાસે સંસદ અને બીજા મંત્રાલયો આવેલા છે. ત્રણ જ દિવસ માં બનેલી આ બંને ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે, આંતકવાદ ના મુદ્દે ભારત લાંબા સમયથી વિશ્વને એકજૂટ થવા અપીલ કરી રહ્યો છે તેમ છતાં દરેક દેશ પોતપોતાના રાજકીય ફાયદા માટે જુદા જુદા એજેન્ડા ચલાવી રહ્યા છે જે સમગ્ર વિશ્વ માટે ઘાતક છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે કેનેડાના વલણને કારણે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે મંગળવારે (26 સપ્ટેમ્બર) વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર સીધો અને મજબૂત સંદેશ આપ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ કે હિંસાની પ્રતિક્રિયાનો આધાર બની શકે નહીં.વિદેશ મંત્રીએ વૈશ્વિક સમુદાયને નિયમો આધારિત આદેશ અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવા પણ આહ્વાન કર્યું હતું. તે જ સમયે, વિદેશ મંત્રીએ દેશોને અન્યના આંતરિક મામલામાં દખલ ન કરવા પણ આહ્વાન કર્યું હતું.ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે જયશંકરની આ ટિપ્પણીઓને બંને દેશો પર હુમલા તરીકે જોવામાં આવી રહી છે. તેમના સંબોધન દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે  “માર્કેટના પાવરનો ઉપયોગ ભોજન અને એનર્જીને જરૂરિયાતમંદોમાંથી શ્રીમંતોમાં સ્થાનાંતરિત કરવા માટે ન થવો જોઈએ. આપણે એ વાતને પણ સમર્થન ના આપવું જોઇએ કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પર પ્રતિક્રિયાઓ નક્કી કરે.

ગયા અઠવાડિયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી. ટ્રુડોના આરોપો પછી ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમના આરોપોને વાહિયાત, પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. ભારતે કહ્યું કે ટ્રુડોની સરકારે હજુ સુધી તેના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કર્યા નથી. આ વિવાદને કારણે ભારત અને કેનેડાએ રાજદ્વારી સ્તરે પગલાં લીધા છે અને સંબંધો તણાવપૂર્ણ થયા છે.

સ્થાયી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સમાવેશની ભારપૂર્વક હિમાયત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે તે દિવસો પૂરા થઈ ગયા છે જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરે છે અને અન્ય લોકો પણ તેની સાથે આવે તેવી અપેક્ષા રાખે છે. જયશંકરે G20 ના પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવતા અને આફ્રિકન યુનિયનને જૂથમાં સામેલ કરવા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું હતું કે , “સંયુક્ત રાષ્ટ્રને સુધારણાના આ મહત્વપૂર્ણ પગલાથી પ્રેરણા મળવી જોઇએ. સુરક્ષા પરિષદને સમકાલીન બનાવવા માટે પણ પ્રેરણા લેવી જોઈએ.

Most Popular

To Top