ડાકોર: ડાકોર સહિત સમગ્ર ઠાસરા તાલુકામાં ગુરૂવારે મોડી સાંજે તેજ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. માત્ર એક કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાઈ ગયો હતો. ભારે વરસાદ સાથે તેજ પવન ફુંકાવાથી ઠાસરા તાલુકામાં 11 જેટલાં વૃક્ષો ધરાશયી થયાં હતાં. જેને પગલે રસ્તા ઉપર અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા બીજા દિવસ સવાર સુધી આ ધરાશયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી ન હતી.
ઠાસરાના રખિયાલ ગામ પાસે હજુ પણ ધરાશયી થયેલા ઝાડ રોડ ઉપર જે તે સ્થિતીમાં જ પડી રહ્યાં છે. જેથી વાહન ચાલકો તેમજ બસચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ રોડ ડાકોરથી રખિયાલ તેમજ રાણીયા અને સાવલીને જોડતો માર્ગ હોવાથી અવરજવર વધુ હોય છે. તેમજ ડાકોર ખાતે આજે પુનમ હોવાથી બરોડા તેમજ સાવલીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહીશો આજ માર્ગનો ઉપયોગ કરતા હોય છે જેથી તંત્ર વહેલી તકે રસ્તા ઉપર ઝાડ ઉઠાવવાનું કામ કરે તેવી માંગ ઉઠી છે.
વાછિયેલમાં તેજ પવન ફૂંકાતા મકાનોને નુકશાન : બે ઘવાયાં
બોરસદ : બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં ગુરુવારે રાત્રે તેજ પવન ફુંકાતાં ખુબ મોટી અસર થવા પામી હતી. વાવાઝોડાના કારણે ઘણાં બધાં ગામમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું પામ્યું છે. સૌથી વિશેષ નુકશાન વાછિયેલ ગામમાં થયું હોવાની વિગતો પ્રાપ્ત થયેલ છે. વાછિયેલમાં મોડી રાત્રે ભારે પવન અને ખુબ જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલમાં તેજ પવન ફુંકાતાં ગામમાં અનેક વિસ્તારોમાં પારાવાર નુકસાન થયું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે.
આ અસરને કારણે વિજ તંત્રને ખુબ વધારે પ્રમાણમાં નુકશાન થયું છે. વિજ ડીપી અને ઘણે બધે થાંભલાઓ તુટી પડવાને કારણે વિજ સેવા બિલકુલ બંધ થઈ ગઈ હતી. તદ્પરાંત વધારે પડતા પવન અને વરસાદના કારણે ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા હતા. ઝાડ પડવાથી વાછિયેલમાં બે વ્યકિતને ઈજાઓ થવાથી તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ ઘટનાના પગલે બોરસદ તાલુકાના પ્રમુખ મિહિર પટેલ સૌથી પહેલાં તાબડતોબ વાછિયેલ ગામમાં પહોંચી ગયા હતા. વાછિયેલમાં પહોંચીને તરતજ સરકારી તંત્રને દોડતું કરી દીધું હતું. નાયબ દંડક રમણભાઈ સોલંકીએ પણ વાવાઝોડાની વધુ પ્રમાણમાં અસર થયેલા વાછિયેલમાં અસરગ્રસ્તોને મળી પરિસ્થિતિ બાબત જાણકારી મેળવી ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાછિયેલમાં વસવાટ કરતા નાગરિકો પૈકી કાચા ઘર ધરાવતા તમામ માટે ઘણું બધું આર્થિક મુશ્કેલી વેઠવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘર પરના પતરાં ભારે પવનમાં ઉડી જવાને કારણે ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું.
ઝાડ હટાવવાની કામગીરી ચાલુ જ છે
આ બાબતે ફોરેસ્ટ ઓફિસર વિજય પટેલ સાથે ટેલીફોનીક વાત કરાતા તેવો જણાવે છે કે, ઠાસરા તાલુકામાં તેમજ ગણતેશ્વર તાલુકામાં થઈ 11 ઝાડ પડવાની ઘટના બની છે. અમારી ટીમ દ્વારા હાલ રસ્તા ઉપરના ઝાડ હટાવવાની કામગીરી ચાલું છે. હાલ અમો ઠાસરાના નેશ ગામે છે અને ત્યાંથી રખીયાલ ગામ નજીક છે ત્યાં અમો પહોંચી વહેલી તકે ઝાડ ઉઠાવવાની કામગીરી હાથ ધરીશું