સુરત: સુરત શહેરમાં આજે ઉત્સાહભેર ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. જોકે, શહેરના છેવાડે ડુમસના દરિયા કિનારે અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. નિયમ અનુસાર મોટી પ્રતિમાઓને ડુમસ અને હજીરાના ઓવારા પર વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ બપોરે દોઢ વાગ્યા સુધી ડુમસમાં ગણેશ પ્રતિમાઓ આવી નહોતી.
પોલીસ દ્વારા મોટા ભાગની પ્રતિમાઓને હજીરા તરફ ડાયવર્ટ કરવામાં આવતા બપોર સુધી ડુમસનો ઓવોરા ખાલી રહ્યો હતો. દોઢ વાગ્યા બાદ મૂર્તિઓ ઓવારા પર દેખાવા લાગી હતી. દરમિયાન ડુમસમાં મોટી પ્રતિમાઓનું વિસર્જન નક્કી હોવા છતાં અહીં વ્યવસ્થામાં ધ્યાન અપાયું નહીં હોવાનું નજરે પડ્યું હતું. પાણી વિના લોકો વલખાં મારતા નજરે પડ્યાં હતાં.
ડુમસ ઓવારા ઉપર બપોર પછી ગણેશ મંડળોની શ્રીજીના વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી. બપોર સુધી માહોલ નિરાશ અને ફીકો રહ્યો હતો. પરંતુ દોઢ વાગ્યા બાદ ધીમે ધીમે અનેક મંડળોની ભીડ વધી હતી. આ અંગે પૂછતા જાણવા મળ્યું હતું કે સવારથી પોલીસે મોટા ગણપતિની પ્રતિમા હજીરા અને મગદલ્લા ઓવારા ઉપર મોકલી હતી. પરંતુ ત્યાં ગણેશ મંડળોની ભીડ વધી જતા બપોર બાદ પોલીસે ગણપતિ મંડળોને ડુમ્મસ ઓવારા ઉપર મોકલવાનું શરૂ કર્યું હતું. જેને પગલે બપોર બાદ ડુમસમાં ભીડ જોવા મળી હતી.
ડુમસમાં પાણી વગર તરસતા રહ્યા ભક્તો
ગણેશ વિસર્જનના દિવસે સામાન્ય અને ગરીબ લોકો વિસર્જન યાત્રાના રૂટ ઉપર છુટક વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આવા દિવસે પણ ડુમસ પોલીસ દ્વારા તમામ દુકાનો સ્ટોલો બંધ કરાવી દેવાયા હતા. અને નાના નાના વેન્ડરોને ઉઠાડી દેવાયા હતા. રસ્તામાં ક્યાંય પણ પીવાના પાણીની સુવિધા નહોતી. વિસર્જન યાત્રામાં જોડાયેલા ભક્તો ભારે ગરમી વચ્ચે પાણી માટે વલખાં મારતા જોવા મળ્યા હતા. જેને કારણે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.