SURAT

સુરતમાં ઘરઆંગણે વિસર્જનનો ટ્રેન્ડ વધતાં કૃત્રિમ તળાવો ખાલી ભાસ્યા

સુરત: સુરત શહેરમાં આ વર્ષે ગણેશ વિસર્જન યાત્રામાં પરંપરાથી અલગ ટ્રેન્ડ જોવા મળ્યા હતા. કોટ વિસ્તારમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે કેટલાંક ગણેશ મંડળો દ્વારા મળસ્કે અંધારામાં જ ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, ત્યાર બાદ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી માહોલ શાંત રહ્યો હતો.

શ્રી વિઠ્ઠલસૃષ્ટિ બંગલોઝ પાલમાં સોસાયટીના રહીશોએ ઘરઆંગણે ધામધૂમપૂર્વક વિસર્જન સંપન્ન કર્યું હતું.

તો બીજી તરફ સુરત મનપા દ્વારા બનાવાયેલા 20 કૃત્રિમ ઓવારા પર પણ માહોલ શુષ્ક જોવા મળ્યો હતો. 5 ફૂટથી નાની મૂર્તિઓના વિસર્જન માટે બનાવાયેલા આ કૃત્રિમ ઓવારા પર ભીડ જોવા મળતી નહોતી. ઘર આંગણે જ નાની મૂર્તિઓના વિસર્જનનો ટ્રેન્ડ હોવાના લીધે કૃત્રિમ ઓવારા ખાલી રહ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમરોલીના કોસાડમાં ટબમાં ફૂલથી ગણેશવિસર્જન
અમરોલીના કોસાડમાં ભક્તોએ ઘરમાં ટબની અંદર વિસર્જન કરી બાપ્પાને વિદાય આપી હતી. પહેલી જ વાર ઘરમાં ગણેશ સ્થાપન કરનાર સંગીતા તુષાર સોરઠીયાએ કહ્યું કે, પહેલી જ વાર ઘરમાં બાપ્પાનું સ્થાપન કર્યું હતું.

અમે એક ફૂટની મૂર્તિ લાવ્યા હતા. 9 દિવસ સુધી ભાવપૂર્વક બાપ્પાની પુજા અર્ચના કરી હતી. પાડોશીઓએ પણ લાભ લીધો હતો. આજે ટબમાં બાપ્પાની મૂર્તિને બેસાડી પંચામૃત અને ફૂલથી વિસર્જન કર્યું હતું.

વિરાટ પ્રતિમાને ટ્રકમાં બેસાડવા મીની જેસીબી મશીનની મદદ લેવી પડી
રિંગરોડ પર બપોર બાદ ધીમે ધીમે માહોલ જામ્યો હતો. આ વર્ષે 9 ફૂટથી ઊંચી પ્રતિમાઓની સ્થાપના કરનાર મંડળોને વિસર્જન યાત્રામાં પરસેવો વળી ગયો હતો. રિંગરોડ પર શ્રીજીની એક વિરાટ પ્રતિમાને ટ્રકમાં ચઢાવવા માટે મીની જેસીબી મશીન મંગાવવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ વિના વિઘ્ને વિઘ્નહર્તાની મૂર્તિ ટ્રકમાં સ્થાપિત કરાઈ હતી.

બપોરે 12 વાગ્યા સુધીમાં આટલી મૂર્તિનું વિસર્જન
સુરત શહેરમાં 10 વાગ્યા બાદ ઓવારાઓ પર માહોલ જામવા માંડ્યો હતો. સુરત મનપા દ્વારા બનાવાયેલા 20 કૃત્રિમ ઓવારા પર બપોરે 12 વાગ્યા સુધીમાં 9692 પ્રતિમાઓનું શાંતિપૂર્વક વિસર્જન કરાયું હતું. સૌથી વધુ કતારગામ ઝોનમાં 2199, ત્યાર બાદ રાંદેર ઝોનમાં 1699, ઉધના-એ ઝોનમાં 1447, લિંબાયત ઝોનમાં 1070 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

Most Popular

To Top