સુરતઃ આજે અનંત ચૌદશના રોજ મળસ્કેથી જ સુરત શહેરમાં વિસર્જન યાત્રાનો આરંભ થઈ ગયો હતો. ખાસ કરીને કોટ વિસ્તારમાં સ્થાપિત મોટી પ્રતિમાઓ વહેલી સવારે 4 વાગ્યાથી વિદાય યાત્રા નીકળી હતી. જોકે, અન્ય પ્રતિમાઓ બપોર બાદ નીકળી હતી. તેથી સવારે 8થી 11 દરમિયાન માહોલ શુષ્ક જણાયો હતો, ત્યાર બાદ માહોલ જામ્યો હતો.
સુરત મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે 20 કૃત્રિમ ઓવારા બનાવાયા છે, ત્યાં બપોરે 12 વાગ્યા સુધી શાંત માહોલ જોવા મળ્યો હતો. જોકે, મનપા દ્વારા વ્યવસ્થા ખૂબ જ સરસ કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન શ્રીજીના પૂજન માટે ઉપયોગમાં લેવાતા પૂજાપો શ્રદ્ધાળુઓ ગમે ત્યાં ફેંકી કચરો ન કરે તે માટે ઓવારાઓ પર આકર્ષક કચરા પેટી મુકવામાં આવી હતી.
લંકા વિજય ઓવારા પર મુકેલી કચરાપેટીને ફુલો, પાંદડાથી શણગારી આકર્ષક લુક આપવામાં આવ્યો હતો. આ પેટીમાં ભેગા થયેલા પુજાપાના કચરામાંથી ખાતર બનાવવામાં આવશે.