Gujarat

મહિલા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બહેનોને સમાવાશે: મોદી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રૂ.૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2002 અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં ૨૫ હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે.

બોડેલી સેવા સદન પાસેના મેદાન ખાતે આયોજિત સમારોહમાં વિશાળ જનસમુદાયને સંબોધતા પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, નવી સંસદના કાર્યારંભ બાદ અમે પ્રથમ કાર્ય નારી શક્તિ વંદન વિધેયક અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે. પહેલા માતા – બહેનો તેમના હક માટે વંચિત રહેતી અને આજે મોદી એક પછી એક સમસ્યાને દુર કરી રહ્યા છે ત્યારે વિરોધીઓને નવા નવા ખેલ કરવાનું સુજે છે, ભાગલા કરવાનું, સમાજને ગેરમાર્ગે લઇ જવાનું સુઝે છે. આ વિધેયક પર હસ્તાક્ષર કરનાર દેશના પહેલા આદિજાતિ રાષ્ટ્રપતિ અને સ્વયં એક મહિલા દ્રૌપદી મુર્મુ હશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મોદીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા ૭૫૦૦ જેટલા ગામડાઓમાં સસ્તી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાઇફાઇ સુવિધા આપવાની યોજનાથી ગામડાઓમાં આમૂલ પરિવર્તન આવશે. નલ સે જલ અંતર્ગત દેશના ૧૦ કરોડ પરિવારોના ઘરઆંગણે પીવા માટે શુદ્ધ જળ પહોંચાડવામાં આવ્યું છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ચાર કરોડ પરિવારોને ઘરનું ઘર મળ્યું છે તેમ જણાવતા મોદીએ જણાવ્યું હતું કે કોઇપણ વચેટિયા વિના ગરીબો-વંચિતોને સીધા તેમના ખાતામાં નાણા ટ્રાન્સફર કરી તેમની મરજી મુજબનું ઘર બનાવવાની સગવડતા અમારી સરકારે આપી છે. ઈઝ ઓફ લિવિંગ, ક્વોલિટી ઓફ લાઈફને કેન્દ્ર સરકારે પ્રાધાન્ય આપ્યું છે. છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ-સુશાસન દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે અવિરતપણે કામ કર્યું છે.

પીએમ મોદીએ કરેલા લોકાર્પણ તથા ખાતમુહુર્તની વિગતો
વડાપ્રધાન મોદીએ ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હેઠળ રૂ.૧૪૨૬ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૦૭૯ કરોડના કામોના ખાતમુહુર્ત એમ કુલ રૂ.૪૫૦૫ કરોડના વિકાસકાર્યો અંતર્ગત ૯૦૮૮ નવીન વર્ગખંડો, ૫૦,૩૦૦ સ્માર્ટ ક્લાસરૂમ્સ, ૧૯,૬૦૦ કોમ્પ્યુટર લેબ્સ, ૧૨,૬૨૨ વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું હતું. ઉપરાંત, રૂ. ૨૫૧ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ દ્વારા રૂ. ૨૦૯ કરોડના ખર્ચે દાહોદ ખાતે છાબ તળાવ વિકાસકાર્યો અને વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ, માર્ગ-મકાન વિભાગના રૂ. ૨૨૫ કરોડના ખર્ચે નર્મદા નદી પર ડભોઈ -શિનોર- માલસર અસા બ્રિજનું લોકાર્પણ, રૂ.૫૨ કરોડના ખર્ચે ગોધરા ખાતે ફ્લાય નીઓવરબ્રિજનું ખાતમુહૂર્ત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજ્યના ૨૨ જિલ્લાઓના ૭૫૦૦ ગામોમાં ૨૦ લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ, પાણી પૂરવઠા વિભાગના રૂ. ૮૦ કરોડનાં ખર્ચે ક્વાંટ ખાતે રૂરલ વોટર સપ્લાય સ્કીમ (RWSS)નું ખાતમુહૂર્ત, દાહોદ ખાતે રૂ. ૨૩ કરોડના ખર્ચે નવનિર્મિત નવોદય વિદ્યાલય અને રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત FM રેડિયો સ્ટુડિયોનું લોકાર્પણ કર્યું હતું.

Most Popular

To Top