સુરત(Surat) : સુરત શહેરમાં આજે મંગળવારે બપોરે વાતાવરણમાં (Weather) એકાએક પલટો આવ્યો હતો. 2 વાગ્યાની આસપાસ શહેરના આકાશમાં (Sky) કાળાંડિબાંગ વાદળો (Cloudy) છવાઈ ગયા હતા. લગભગ અડધો કલાક સુધી ધીમો દાણાદાર વરસાદ વરસ્યા બાદ લગભગ અઢી વાગ્યાના સુમારે વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયેલા હોવાના લીધે સુરત શહેરમાં ભરબપોરે સમી સાંજ જેવું વાતાવરણ સર્જાયુ હતું. હિલસ્ટેશન હોય તેવો માહોલ બન્યો હતો. ધીમા વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાતો હોય હિલસ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. વાદળોના લીધે અંધકાર છવાઈ જતાં બપોરનો સમય હોવા છતાં વાહનચાલકોએ વાહનોની હેડલાઈટ શરૂ કરવી પડી હતી. વાદળો ઘેરાયા બાદ વીજળીના સામાન્ય ગડગડાટ પછી વરસાદ તૂટી પડ્યો હતો.
આ અગાઉ સવારથી જ સુરતમાં ઉકળાટ હતો. ભારે ગરમીના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં હતાં. ભારે ઉકળાટ બાદ બપોરે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી.
આજે બપોરે સુરત શહેરમાં મેઘરાજાની ધુઆંધાર એન્ટ્રી થઈ હતી. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં બફારા અને ઉકળાટથી લોકોને છુટકારો મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના ચોકબજાર, ઘોડ દોડ રોડ, અઠવાલાઇન્સ, ઉધના, ભટાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
હવામાન વિભાગે કરેલી આગામી 24 કલાકની આગાહીના પગલે અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. અચાનક તૂટી પડેલા વરસાદને લઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ભારે વરસાદથી પાણી ભરાયા હતાં.
ઉકાઈ ડેમની સપાટીમાં ધીમો વધારો
ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી હવે થોડે જ દૂર વહી રહ્યો છે. ગઈકાલે સોમવારના 344.05 ફૂટની સરખામણીએ આજે મંગળવારે તા. 26 સપ્ટેમ્બરના રોજ ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી છે. ધીમી ગતિથી પણ ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. વર્ષ 2019થી ઉકાઈ ડેમને પૂરો ભરવામાં આવી રહ્યો છે.