સુરત: ”પિતાને ભોજન આપ બહાર શું કામ ફરે છે”, એમ કહી માતાએ ઠપકો આપતા ધોરણ-6 ની વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગણેશ આરતીમાંથી પરત ફરેલી માતાને દીકરી બાથરૂમમાંથી દવાની દુર્ગધ મારતી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડી હતી. પિતાએ કહ્યું હતું કે ત્રણ સંતાનોમાં આંચલ મોટી દીકરી છે. હાલ તેની તબિયત સાધારણ છે.
લાલબહાદુર સોની (પીડિત પિતા) એ કહ્યું હતું કે ઘટના સોમવારની રાતની છે. હું નાઈટ પાળીમાં કામ પર જવાની તૈયારી કરતો હતો. પત્ની ગણેશ આરતીમાં જવાની હતી, ત્યારે મોટી દીકરી ઘર બહાર ફરતી હતી. તેથી પત્નીએ દીકરીને પિતા માટે ભોજન તૈયાર કરવાનું કહી ઠપકો આપતા દિકરીને ખોટું લાગી ગયું હતું. ત્યારબાદ પત્ની ગણેશ આરતીમાં ચાલી ગઈ હતી. પરત આવીને જોતા દિકરી બાથરૂમમાં હતી. બહાર કાઢતા ઝેરી દવાની દુર્ગધ આવતી હતી.
વધુમાં જણાવ્યું હતું કે પત્નીએ બુમાબુમ કરી પાડોશીઓને બોલાવી લીધા હતા. તે દરમિયાન આંચલને ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી. તાત્કાલિક સિવિલ લઈ આવતા તેને દાખલ કરી દેવામાં આવી હતી. હાલ તેની તબિયત સાધારણ છે. આંચલ ધોરણ-6 ની વિદ્યાર્થીની છે. તેમને ત્રણ સંતાનોમાં આંચલ મોટી દીકરી છે. તેઓ ડાઈંગ મિલમાં ઓપરેટર છે અને મૂળ MPના રહેવાસી છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.