SURAT

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બનાવવા પાછળ કેટલો ખર્ચ થાય છે? આંકડો જાણી ચોંકી જશો

સુરત: સુંદર, સ્વચ્છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) છેલ્લાં કેટલાંક સમયથી ભારતીય રેલવે (Indian Railway) ટ્રેક પર દોડી રહી છે. ભારતીય રેલવે દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં વંદે ભારત ટ્રેનના રૂટ ફાળવવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેન પેસેન્જરોની પણ પહેલી પસંદ બની છે, ત્યારે એ જાણવું રસપ્રદ બની રહેશે કે એક વંદે ભારત ટ્રેન બનાવવા પાછળ રેલવેને કેટલો ખર્ચ થાય છે?

વંદેભારત ટ્રેન અંગે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે. ઇન્ડિયન રેલ્વે દ્વારા સંચાલિત વંદેભારત ટ્રેન વર્ષ 2019 થી કાર્યરત છે. પ્રથમ વંદેભારત ટ્રેન તા. 15.02.2019 ના રોજ વારાણસી – દિલ્હી વચ્ચે શરૂ કરવામાં આવી હતી, જેમાં એન્જીન સાથે 16 જેટલા કોચ છે. વંદેભારત ટ્રેન એની સ્પીડ અને સુવિધાની લોકપ્રિયતા વધી છે. ઇન્ડિયન રેલ્વેની જુની ટ્રેનથી પરેશાન થયેલા યાત્રીઓને આ ન્યુ જનરેશન ટ્રેને રાહત આપી છે. ઓછા કોચ ધરાવતી વંદેભારત ટ્રેનમાં બુકીંગ પણ સૌથી વધારે છે.

હાલ કેટલી વંદેભારત ટ્રેન સેવામાં છે
હાલ 25 જેટલી વંદેભારત ટ્રેન લોકોની સેવામાં છે. આ આંકડો 07.07.2023 ના રોજ શરૂ કરેલી જોધપુર – સાબરમતી 12461/12462 વંદેભારત ટ્રેન સુધીનો છે. તમામ વંદેભારત ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલે છે. દરેક વંદેભારત ટ્રેન અપ અને ડાઉન મુસાફરી કરે છે.

કયા- કયા રૂટ પર વંદેભારત ટ્રેન ચાલે છે

  1. વારાણસી – ન્યુ દિલ્હી- 22435/22436
  2. ન્યુ દિલ્હી- માતા વૈષ્ણોદેવી કટ્રા – 22439/22440
  3. મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ – 20901/20902
  4. ન્યુ દિલ્હી – અંબ અંદૌરા -22447/22448
  5. ચેન્નાઇ – મૈસુર – 20607/20608
  6. બિલાસપુર – નાગપુર – 20825/20826
  7. હાઉરાહ – ન્યુ જેલપાઈગુરી – 22301/22302
  8. વિશાખા પટ્ટનમ – સિકંદરાબાદ – 20833/20834
  9. મુંબઈ – શિરડી – 22223/22224
  10. મુંબઈ – સોલાપુર – 22225/22226
  11. રાણી કમલાપતિ – નિઝામુદીન – 20171/20172
  12. સિકંદરાબાદ – તિરૂપતિ – 20701/20702
  13. 13.ચેન્નાઇ – કોયમ્બતૂર – 20643/20644
  14. અજમેર-દિલ્હી – 20977/20978
  15. કંસારકોડ – તિરુવનંદપુરમ – 20633/20634
  16. હાઉરાહ – પુરી – 22895/22896
  17. આનંદ વિહાર – દેહરાદૂન – 22457/22458
  18. ન્યુ જેલપાઈગુરી- ગુવાહાટી – 22227/22228
  19. બેંગલુરુ – ધરવાડ – 20661/20662
  20. રાણી કમલાપતિ – જબલપુર – 20173/20174
  21. ઇન્દોર-ભોપાલ – 20911/20912
  22. પટના – રાંચી – 22349/22350
  23. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ- મડગાઉન -22229/22230
  24. ગોરખપુર – લખનૌ – 22549/22550
  25. જોધપુર – સાબરમતી – 12461/12462

એક વંદેભારત ટ્રેનનો ખર્ચ શું છે
એક વંદેભારત ટ્રેન બનાવવા પાછળનો ખર્ચ 106 કરોડ રૂપિયા છે. જેમાં 8 મોટોર કોચ, 2 ડ્રાઈવિંગ ટ્રેલર કોચ, 2 નોન ડ્રાઈવિંગ ટ્રેલર કોચ, 4 ટ્રેલર કોચ સહીત 16 જેટલા કોચ છે. તા. 08.09.2023 ના રોજ ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાને આપવામાં આવેલા જવાબ મુજબ ઓગસ્ટ 2023 સુધી 408 જેટલી વંદેભારત કોચ બનાવી ચુકી છે, જેની કિંમત પેટે 2732.72 કરોડનો ખર્ચ થયો છે. ભારતીય રેલ્વે પાસેથી આ તમામ રકમ પણ ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી દ્વારા મેળવી ચુક્યા છે.

શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં પણ 16 જેટલા કોચ હોય છે, જે વંદેભારત ટ્રેનના સામાન છે. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ 150 કી.મી પ્રતિ કલાક છે. જયારે વંદેભારત ટ્રેનની સ્પીડ 130 કી.મી પ્રતિ કલાક છે. પણ વધુમાં વધુ સ્પીડ 160 કી.મી પ્રતિ કલાક છે.

Most Popular

To Top